Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ચાણકયનો વરતારો

ભાજપને ૩૦૦ બેઠકો : એનડીએને ૩૫૦

યુપીએને ૯૫ તથા અન્યોને ૯૭ બેઠકોનો અંદાજ

નવી દિલ્હી તા. ૨૦ : ટુડેઝ ચાણકયએ આ વખતે એનડીએને ૩૫૦થી વધુ બેઠકો આપી છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ટુડેઝ ચાણકયનો એકિઝટ પોલ જ સૌથી ચોક્કસ રહ્યો હતો. એક તરફ જયાં અન્ય એજન્સીઓ એનડીએને બહુમતીથી દૂર જણાવી રહી હતી, તો ચાણકયએ એનડીએ માટે ૩૪૪ બેઠકોનું અનુમાન લગાવ્યું હતું. જયારે પરિણામ આવ્યા તો ચાણકયની વાત સાચી સાબિત થઈ હતી. એનડીએને કુલ ૩૩૬ બેઠકો મળી હતી.

ચાણકયના એકિઝટ પોલ મુજબ, યુપીએને ૯૫ અને અન્યને ૯૭ બેઠકો મળવાનો અંદાજ છે. ટુડેઝ ચાણકયએ ઉત્તર પ્રદેશમાં ભાજપ+ને ૫૭થી ૭૩ બેઠકો મળવાનો અંદાજ વ્યકત કર્યો છે. તે ઉપરાંત બીએસપી-એસપી ગઠબંધનને ૭થી ૧૯ બેઠકો મળતી દેખાઈ રહી છે. કોંગ્રેસના ખાતામાં બે બેઠકો જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, એબીપી નીલ્સનના સર્વેમાં જણાવાઈ રહ્યું છે કે, ઉત્તર પ્રદેશમાં ગઠબંધનને કારણે ભાજપને નુકસાન થશે અને માત્ર ૩૩ બેઠકો જ મળશે. એબીપી નીલ્સન મુજબ ઉત્તર પ્રદેશમાં ગઠબંધન ૪૫ બેઠકો જીતી શકે છે.

રિપબ્લિક સી વોટરના સર્વેમાં ભાજપ+ માટે ૨૮૭ બેઠકોનું અનુમાન લગાવ્યું છે. તેમાં યુપીએને ૧૨૦ અને અન્યને ૧૩૫ બેઠકો આપવામાં આવી છે. અમારા સહયોગી ટાઈમ્સ નાઉ વીએમઆરના એકિઝટ પોલમાં એનડીએને ૩૦૪, યુપીએને ૧૧૮ અને અન્યને ૧૨૦ બેઠકો મળવાનું અનુમાન છે. ન્યૂઝ ૧૮એ એનડીએને ૩૩૬, યુપીએને ૮૨ અને અન્યને ૧૨૪ બેઠકો આપી છે.

ઈન્ડિયા ટુડે એકિસસના એકિઝટ પોલ મુજબ, ભાજપૅને ૩૫૨ બેઠકો, યુપીએને ૯૨ અને અન્યને ૮૨ બેઠકો મળી શકે છે. તો ન્યૂઝ એકસએ એનડીએ માટે ૨૪૨, યુપીએ માટે ૧૬૪ અને અન્ય માટે ૧૩૬ બેઠકોનું અનુમાન લગાવ્યું છે. આ વખતે એકિઝટ પોલમાં પશ્ચિમ બંગાળમાં ભાજપને સારી લીડ મળતી દેખાઈ રહી છે. ટુડેઝ ચાણકયએ પશ્વિમ બંગાળમાં ભાજપ માટે ૧૮ બેઠકોનું અનુમાન લગાવ્યું છે.

(10:29 am IST)