Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

આંદામાન નિકોબારમાં સમય કરતા પહેલા મોનસુનની એન્ટ્રી

કેરળમાં મોનસુન નિર્ધારિત સમયે પહોંચશે : આંદામાન નિકોબાર દ્વિપમાં મોનસુનની એન્ટ્રી થયા બાદ છેલ્લા ૪૮ કલાકથી વરસાદ જારી : કેરળને લઇને ચર્ચાઓ

પુણે, તા. ૧૯ : દક્ષિણ પશ્ચિમ મોનસુને આંદામાન અને નિકોબાર દ્વીપમાં નિર્ધારિત સમય કરતા પહેલા એન્ટ્રી કરી લીધી છે. સમયથી બે દિવસથી પહેલા એન્ટ્રી થવાના કારણે સામાન્ય લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. દક્ષિણ પશ્ચિમ મોનસુને નિકોબાર દ્વીપમાં વિધિવતરીતે પ્રવેશ કરી લીધો છે. દક્ષિણ આંદામાન દરિયા, દક્ષિણ બંગાળના અખાતના વિસ્તારો, નિકોબાર દ્વિપમાં મોનસુન સમયથી પહેલા પહોંચ્યા બાદ હવામાન વિભાગ દ્વારા પણ આને લઇને ખુલાસો કરવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મોનસુનની એન્ટ્રી સમય કરતા પહેલા થવાથી વરસાદી માહોલ જામી ગયો છે. નિકોબાર દ્વિપમાં છેલ્લા ૪૮ કલાકથી વરસાદ થઇ રહ્યો છે.

હવામાન વિભાગના કહેવા મુજબ આંદામાન અને નિકોબાર દ્વિપમાં સમય કરતા પહેલા મોનસુનની એન્ટ્રી થયા બાદ કેરળમાં સમયસર મોનસુન પ્રવેશ કરશે કે કેમ તેને લઇને હવામાન વિભાગના અધિકારીઓ પણ જુદા જુદા અભિપ્રાય આપી રહ્યા છે. દક્ષિણ પશ્ચિમ મોનસુન કેરળમાં પહેલીથી લઇને ચોથી જૂનની વચ્ચે પહોંચી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી પહેલાથી જ કરવામાં આવી ચુકી છે. આ વખતે સરેરાશ કરતા ઓછો વરસાદ પડવાની આગાહી પણ ખાનગી હવામાન સંસ્થા દ્વારા કરવામાં આવી ચુકી છે. આવનાર દિવસોમાં દેશના અન્ય ભાગોને લઇને પણ હવામાન વિભાગ તરફથી વધુ સચોટ આગાહી કરવામાં આવનાર છે. જો કે, ખાનગી સંસ્થા સ્કાયમેટના કહેવા મુજબ નોર્મલ કરતા ઓછો વરસાદ આ વખતે થઇ શકે છે. આવી સ્થિતિમાં ખેડૂત સમુદાય અને અર્થતંત્રને નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મોનસુન કૃષિ સમુદાય માટે હંમેશા સૌથી ઉપયોગી રહે છે.  ગયા વર્ષે પણ સામાન્ય કરતા ઓછો વરસાદ નોધાયો હતો.

(12:00 am IST)