Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

રાહુલ ગાંધીની ગર્જના: કર્ણાટકની ફોર્મ્યુલાના આધારે વિપક્ષ લોકસભામાં ભાજપ પાસેથી ૩૪૯ બેઠક ખૂંચવીને જીતી શકશે

કર્ણાટકમાં બહુમતી સાબિત નહિ કરી શક્યા બાદ ભાજપના મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ રાજીનામુ આપી દીધું છે તેના રાજીનામાના અડધો કલાક બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી તેમાં રહુંકલ ગાંધીએ કહ્યું કે અમે બધા મળીને ભાજપ અને આરએસએસને હરાવીશું,કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન રાહુલે જેડીએસને ભાજપની બી ટીમ ગણાવી કહ્યું હતું કે પાર્ટીના નામમાં એસ નો મતલબ સંઘ છે પરંતુ હવે તેઓનું વલણ બદલાયું છે

  આ પ્રેસ કોન્ફ્રન્સમાં પહેલીવાર રાહુલ ગાંધી 2019 લોકસભાની ચૂંટણી માટે રણનીતિ બતાવતા તમામ વિપક્ષ એકજુથ કરવા કોશિશ કરતા દેખાયા હતા કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન બાદ તમામ પાર્ટીઓએ તેની પ્રતિક્રિયા આપી છે તમામ રાહુલના સૂરમાં સુર મિલાવતા ભાજપને ઘેરતા જોવાયા હતા કર્ણાટકની આ ફોર્મ્યુલાને કોંગ્રેસ આ વર્ષે થનાર વિધાનસભા ચૂંટણી અને આગમી વર્ષે લોકસભા ચૂટણીંમાં લાગુ કરી શકે છે જો આમ થાય તો તે 11 રાજ્યોમાં 12 સૌથી મોટી પાર્ટી સાથે ચૂંટણી પહેલા અથવા બાદમાં ગઠબંધન કરીને ભાજપને સરકાર બનાવતી અટકાવી શકે છે

 રાહુલ ગાંધીના આ પ્રયત્નો બાદ પણ અન્ય વિપક્ષી દળ કોંગ્રેસના નેતૃત્વમાં 2019ની લોકસભાની ચૂંટણી લડવાની હિંમત દર્શાવતા ખચકાતા હતાં પરંતુ કર્ણાટકની ઘટના બાદ કદાચ હાલાત બદલાઈ શકે છે. કર્ણાટકમાં ભાજપને રોકવા માટે કોંગ્રેસ ત્રીજા નંબરની જેડીએસને સત્તા સોંપવા તૈયાર થઈ ગઈ. આ ફેસલા બાદ કોંગ્રેસે સંકેત આપ્યો છે કે તેનો હેતુ ભાજપને રોકવાનો છે. આ સાથે જ લડાઈમાં તેમનો સાથ આપનારાને કોંગ્રેસ કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છે.

  કર્ણાટકની ઘટના બાદ દેશના કયા 11 રાજ્યોમાં ભાજપને ટક્કર આપવા માટે વિપક્ષી દળો 2019ની ચૂંટણીમાં એકજૂથ થઈ શકે છે,.

ઉત્તર પ્રદેશ: આ રાજ્યથી લોકસભામાં સૌથી વધુ 80 સાંસદો લોકસભામાં જાય છે. કેન્દ્રમાં કોઈ પણ પાર્ટીની સરકાર બનાવવા માટે આ રાજ્ય ખુબ  મહત્વનું છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપે આ જ રાજ્યમાંથી 72 બેઠકો જીતી હતી. આ વખતે પણ અહીં બસપા, સપા, આરએલડી, અને કોંગ્રેસ એકજૂથ થઈને ચૂંટણી લડી શકે છે.

બિહાર: હાલના સમયમાં બિહાર વિધાનસભામાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સૌથી મોટી પાર્ટી થઈને વિપક્ષમાં છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં અહીં આરજેડી, જીતન રામ માંઝીની પાર્ટી હમ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો એકસાથે મળીને ભાજપ સામે મોટો પડકાર ફેંકી શકે છે. એનડીએના સાથી પક્ષ આરએલએસપી પણ તેમની સાથે હોવાના સતત અહેવાલો આવી રહ્યાં છે. અહીંથી 40 સાંસદો લોકસભામાં જાય છે.

પશ્ચિમ બંગાળ: હાલના સમયમાં મમતા બેનરજી જ એક એવા નેતા છે જે જનતાની તાકાતના દમ પર ભાજપ સાથે સીધી ટક્કર લઈ રહ્યાં છે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં્ મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે. અહીં લોકસભાની 42 સીટો છે.

મહારાષ્ટ્ર: કેન્દ્રીની ખુરશી મેળવવા માટે મહારાષ્ટ્રનુ પણ ખુબ મહત્વ છે. કારણ કે અહીંથી 48 સાંસદો લોકસભામાં જાય છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં અહીં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એક સાથે જાય તે નક્કી છે. આ સાથે જ શિવસેનાનું પણ સતત ભાજપ સાથે ઘર્ષણ રહ્યું છે જેને પગલે મોટો ફેરફાર જોવા મળી શકે છે.

તામિલનાડુ: અહીં કોંગ્રેસ અને ડીએમકે વચ્ચે ગઠબંધન થવાની શક્યતા છે. કારણ કે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે જયલલિતાના મોત બાદ સત્તાધારી એઆઈએડીએમકેના નેતાઓની ભાજપ સાથે નીકટતા વધી છે. અહીં લોકસભાની 39 બેઠકો છે.

કર્ણાટક: અહીં કોંગ્રેસ અને જેડીએસ મળીને સરકાર બનાવવા જઈ રહ્યાં છે. લોકસભામાં પણ તેઓ મળીને ચૂંટણી લડશે તે નક્કી ગણવામાં આવી રહ્યું છે. અહીં લોકસભાની 28 બેઠકો છે.

આંધ્ર પ્રદેશ: લોકસભા ચૂંટણીના એક વર્ષ પહેલા જ ચંદ્રબાબુ નાયડુએ ભાજપ સાથે દોસ્તી તોડી નાખી છે. આવા સંજોગોમાં પૂરેપૂરી શક્યતા છે કે કોંગ્રેસ અને ટીડીપી મળીને ભાજપને રોકવાની કોશિશ કરશે.

તેલંગણા: ટીઆરએસ ભાજપ અને કોંગ્રેસ વગરનો મોરચો બનાવવામાં લાગી છે. પરંતુ કર્ણાટકના ઘટનાક્રમ બાદ કદાચ આ પક્ષ કોંગ્રેસ સાથે એક મંચ પર આવવા માટે તૈયાર થઈ જાય.

ઝારખંડ: અહીં શિબૂ સોરેનની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ મળીને 2019ની ચૂંટણીમાં જંગ લડી શકે છે. અહીં લોકસભાની 14 બેઠકો છે.

હરિયાણા: 1990ના દાયકામાં કોંગ્રેસને સત્તામાંથી બેદખલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનારા ચૌધરી દેવીલાલના પુત્ર ઓમ પ્રકાશ ચૌટાલાની પાર્ટી ઈન્ડિયન નેશનલ લોકદળ (ઈનેલો) અને કોંગ્રેસ એકસાથે ચૂંટણી લડી શકે છે. ઈનેલો હાલ અહીં મુખ્ય વિપક્ષી પાર્ટી છે. અહીંથી લોકસભામાં 10 સાંસદો જાય છે.

જમ્મુ અને કાશ્મીર: 6 સાંસદ લોકસભામાં મોકલનારા આ રાજ્યમાં કોંગ્રેસ ફારુખ અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સ સાથે મળીને 2019માં ચૂંટણી લડી શકે છે.

આ તમામ રાજ્યોની લોકસભાની બેઠકોને જોડવામાં આવે તો આ આંકડો 349 સુધી પહોંચે છે. 545 સભ્યોવાળી લોકસભામાં બહુમત માટે 272 સભ્યોની જરૂર પડે છે. જો આ તમામ રાજ્યોમાં કોંગ્રેસ એકજૂથ થાય તો ભાજપને ખુબ મુશ્કેલી પડે તેમ છે. 2014ની લોકસભાની ચૂંટમીમાં આમાંથી મોટાભાગના રાજ્યોમાં ત્રિકોણીય જંગ થયો હતો જેમાં ભાજપને ખુબ ફાયદો થયો હતો.

(9:06 pm IST)