Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

જમ્મુ કાશ્મીર : પાકિસ્તાની બંકરને આખરે ફુંકી મરાયુ

બીએસએફના જવાનોની આક્રમક કાર્યવાહી : બીએસએફના જવાબી હુમલામાં પાક.ને થયેલુ નુકસાન

શ્રીનગર,તા. ૨૦ : બીએસએફના જવાનોએ જવાબી કાર્યવાહી કરીને સરહદ પાર પાકિસ્તાની બંકરને ફુંકી માર્યું છે. બીએસએફના આ હુમલામાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. સરહદ પારથી પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા અવિરત ગોળીબારનો જવાબ આપીને બીએસએફએ જોરદાર કાર્યવાહી કરી હતી. જેમાં ભારતીય સૈનાએ આક્રમક પરિચય આપીને પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. મળેલી માહિતી મુજબ પાકિસ્તાની સેના તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં બીએસએફના પાંચ જવાનના મોત થયા બાદ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. પશ્વિમી સરહદ ઉપર તૈનાત બીએસએફના જવાનોએ આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની બંકરને ફુંકી માર્યું હતું. મળેલી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જમ્મુ-કાશ્મીરની યાત્રા પર છે. આવી સ્થિતીમાં જમ્મુ કાશ્મીરમાં હાઈ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, સરહદ ઉપર આરએસપુરા અને અરણિયા સેક્ટરના ગામોમાં પાકિસ્તાને જોરદાર તોપમારો કર્યો હતો જેથી લોકોમાં દહેશત ફેલાયેલી છે. પાકિસ્તાની સૈનિકોએ શુક્રવારે જમ્મુ કાશ્મીરના જુદા જુદા સેક્ટરોમાં અંકુશરેખા પર ભારતીય ચોકીઓ ઉપર ભીષણ ગોળીબાર કર્યો હતો.

 આરએસપુરા, વિશ્વનાથ અને અરણિયા સેક્ટરમાં ભારતીય ચોકી ઉપર ભીષણ ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં ચાર નાગરિકો અને બીએસએફના એક જવાનનું મોત થયું હતુ. જ્યારે બીએસએફના એક ઓફિસર સહિત અન્ય ૧૨ લોકો પાકિસ્તાનના ગોળીબારમાં ઘાયલ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ કાશ્મીરની યાત્રા પહેલા સતત ત્રીજા દિવસે પાકિસ્તાને ગોળીબાર કર્યો હતો.

(9:28 pm IST)