Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

આફ્રિકી દેશ ચાડ પર 30 વર્ષ સુધી શાસન કરનાર રાષ્ટ્રપતિ ઇદરિસ ડેબી ઇટનોનું વિદ્રોહીઓના હુમલામાં મોત

હુમલાના એક દિવસ પહેલા ચાડમાં 11 એપ્રિલે થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સતત છઠ્ઠીવાર જીત મેળવી હતી : પુત્રને બનાવાયો નવો ઉત્તરાધિકારી

એનજામિનાઃ આફ્રિકી દેશ ચાડ પર 30 વર્ષ સુધી શાસન કરનાર રાષ્ટ્રપતિ ઇદરિસ ડેબી ઇટનોનું વિદ્રોહીઓના હુમલામાં ઘાયલ થયા બાદ મોત થયુ છે. હુમલાના એક દિવસ પહેલા તેમણે ચાડમાં 11 એપ્રિલે થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સતત છઠ્ઠીવાર જીત મેળવી હતી. ચાડની સેનાએ રાષ્ટ્રીય ટેલીવિઝન અને રેડિયો પર રાષ્ટ્રપતિ ઇદરિસ ડેબીના મોતની પુષ્ટિ કરી છે. 

સેનાએ કહ્યુ કે, રાષ્ટ્રપતિના મોત બાદ ઇદરિસ ડેબીના પુત્ર જનરલ મહામત ઇદરિસ ડેબી ઇટનોને દેશના અંતરિમ પ્રમુખ ચૂંટવામાં આવ્યા છે. તે 18 મહિનાના ટ્રાન્ઝિશન કાઉન્સિલનું નેતૃત્વ કરશે. આ સાથે સેનાએ દેશમાં સાંજે છ કલાકથી રાત્રી કર્ફ્યૂની જાહેરાત કરી છે. સેનાએ ચિંતાજનક સ્થિતિનો સામનો કરનાર લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે.

સેનાએ કહ્યુ કે, ઇદરિસ ડેબી ઇટનોએ લીબિયાથી આવેલા આતંકવાજી જૂથ ફ્રંટ અને ચેન્જ એન્ડ કોનકર્ડ વિરુદ્ધ લોન્ચ કરેલા યુદ્ધક અભિયાનોનું વીરતાથી નેતૃત્વ કર્યુ. આ દરમિયાન સેનાએ રાજધાની નદજાનેમાથી નજીક 300 કિલોમીટર દૂર કાનેમ પ્રાંતમાં 300 લડાકોને મારી નાખ્યા અને 150ને ઝડપી લીધા. આ દરમિયાન રાષ્ટ્રપતિ ઈજાગ્રસ્ત થયા હતા, ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું નિધન થયુ છે. 

ચાડની સેનાના પૂર્વ કમાન્ડર-ઇન-ચીફ ઇદરિસ ડેબી ઇટનો પ્રથમવાર 1990મા સત્તામાં આવ્યા હતા. ત્યારે તેમના નેતૃત્વમાં વિદ્રોહી દળોએ તત્કાલીન રાષ્ટ્રપતિ હિસને હેબરને સત્તામાંથી બહાર કરી દીધા હતા. બાદમાં તેમને સેનેગલમાં એક આંતરરાષ્ટ્રીય ન્યાયાધિકરણમાં માનવાધિકારોના હનનના દોષી ઠેરવવામાં આવ્યા હતા. પોતાના કાર્યકાળ દરમિયાન ઘણીવાર વિદ્રોહી દળોએ તખ્તાપલટનો પ્રયાસ કર્યો, પરંતુ દર વખતે તે પોતાની સત્તા બચાવવામાં સફળ રહ્યા હતા. 

(12:03 am IST)