Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

રસીને ઓપન માર્કેટમાં વેચવાની ક્વાયત, ૧૦% કસ્ટમ ડ્યૂટી માફ

રસીકરણ અભિયનને વેગ માટે સરકાર સક્રિય : ખાનગી કંપનીઓને પણ વિદેશથી રસી આયાત કરવાની મંજૂરી આપવા માટે રાજ્ય સરકારે વિચારણા હાથ ધરી

નવી દિલ્હી, તા. ૨૦ : દેશમાં કોરોનાના હાહાકાર વચ્ચે રસીકરણ અભિયાનને વેગ આપવા માટે કેન્દ્ર સરકારે વિદેશી રસીઓને ધડાધડ મંજૂરી આપવા માંડી છે અને સાથે સાથે બીજો એક મહત્વનો નિર્ણય પણ કર્યો છે.

સરકારે ભારતમાં આયાત થનારી વિદેશી રસી પરની કસ્ટમ ડ્યુટી માફ કરી દીધી છે. આમ તો આ રસી પર ૧૦ ટકા કસ્ટમ ડ્યુટી હતી પણ વિદેશી રસી લોકોને સસ્તી મળી શકે તે માટે આ ડ્યુટી નહીં લેવાનુ સરકારે નક્કી કર્યુ છે.

સાથે સાથે ખાનગી કંપનીઓને પણ વિદેશથી રસી આયાત કરવાની મંજૂરી આપવા માટે સરકારે વિચારણા હાથ ધરી છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળી તો દેશના માર્કેટમાં રસીના પૂરતા ડોઝ ઉપલબ્ધ થશે.

આ પહેલા રશિયન રસી સ્પુતનિકને સરકાર મંજૂરી આપી ચુકી છે. બહુ જલ્દી ભારતમાં આ રસીનુ આગમન થઈ શકે છે. આ સિવાય ફાઈઝર, મોર્ડના અને જોન્સન એન્ડ જોન્સનની રસી પણ ભારતના બજારમાં જલ્દી આવી શકે છે. એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યુ હતુ કે, ખાનગી કંપનીઓને પણ સરકાર રસીની આયાત કરવા મંજૂરી આપી શકે છે. જેના કારણે ઓપન માર્કેટમાં રસી વેચવાનુ પણ શક્ય બનશે. જેમાં સરકારની કોઈ દખલ નહીં હોય. કંપનીઓને વેક્સીનના ભાવ નક્કી કરવાની છુટ અપાશે.

હાલમાં દેશમાં કોરોના વેક્સીનની ખરીદી અને વેચાણ પર સરકારનુ નિયંત્રણ છે. સરકાર બહુ જલ્દી આ નિયંત્રણ દુર કરી શકે છે. જોકે આ મામલે નાણા મંત્રાલય દ્વારા હજી સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી.

(7:08 pm IST)