Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

યુપીનો હૃદયદ્રાવક વીડિયો વાયરલ

માસુમ બાળકી પર ગીધની માફક તૂટી પડયા ૧૨ શ્વાન

આજુબાજુના રહીશોએ વચ્ચે પડીને મહામહેનતે બાળકીને બચાવી

નવી દિલ્હી, તા.૨૦: એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન અલીગઢને સ્માર્ટ સિટીનો દરજ્જો અપાવવા કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહ્યું છે તો બીજી બાજુ શહેરના લોકો રસ્તા પર રખડતા પશુઓથી પણ સુરક્ષિત નથી. આવી જ એક ઘટના અલીગઢના જીવનગઢ ખાતેથી સામે આવી છે જેમાં એક ૭ વર્ષીય બાળકી દ્યરનો સામાન લેવા જઈ રહી હતી તે સમયે આશરે ૧૦થી ૧૨ રખડતા કૂતરાઓના ટોળાઓએ તેના પર હુમલો કરી દીધો હતો.

કૂતરાઓના ટોળાએ બાળકીને જમીન પર પાડી દીધી હતી અને તેને ઢસડવા લાગ્યા હતા. આ અંગે જાણ થતા જ આજુબાજુના લોકોએ બાળકીને બચાવવા દોટ મુકી હતી. મહામહેનતે તે બાળકીનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો પરંતુ તેને ગંભીર ઈજાઓ પહોંચી છે અને સ્માર્ટ સિટીના નામે કરોડોના ખર્ચ કરનારા કોર્પોરેશનની પોલ ખુલી ગઈ છે. બાળકી પર કૂતરાઓએ હુમલો કર્યો તે દ્યટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.  જયારે બાળકી એક ગલીની સામેથી નીકળે છે ત્યારે ૪-૫ કૂતરા તેના પર તૂટી પડે છે અને પછી તેમની સંખ્યા વધવા લાગે છે. બાળકી બચીને ભાગવા માટે ખૂબ પ્રયત્ન કરે છે પરંતુ કૂતરાઓની સંખ્યા વધારે હોવાથી તે ફસાઈ જાય છે. જીવનગઢ ક્ષેત્રના કાઉન્સિલરના કહેવા પ્રમાણે તેમણે અનેક વખત કોર્પોરેશનને રખડતા કૂતરાઓના ત્રાસ વિશે લખ્યું છે પરંતુ તેમની બેદરકારીના કારણે સમસ્યાનો ઉકેલ નથી આવતો.

(4:06 pm IST)