Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

ઓફિસમાં કેન્દ્રિય કર્મચારીઓના સ્ટાફને ૫૦ ટકાની મંજૂરી

કામકાજના કલાકોમાં પણ ફેરફારઃ દિવ્યાંગ ગર્ભવતી મહિલાને મંજૂરી નહિ

નવી દિલ્હી, તા.૨૦: કેન્દ્ર સરકારે કોરોનાના વધતા કેસને જોઇને અધિકારીના કામકાજના કલાકોમાં ફેરફાર કર્યો છે. સાથે જ ઉચ્ચ સચિવ અને તેનાથી નીચલા સ્તરના ૫૦ ટકા કર્મચારીઓને ઓફિસમાં ઉપસ્થિત રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ તાત્કાલીક ધોરણે લાગુ થશે અને ૩૦ એપ્રિલ અથવા આદેશ સુધી પ્રભાવી રહેશે.

કાર્મિક મંત્રાલયના નિવેદન મુજબ, ડિપ્ટી સેક્રેટરી સ્તરથી માંડીને તેનાથી ઉપર સુધીના અધિકારીઓને નિયમિત રૂપથી કાર્યાલય જવુ પડશે સાથે જ ઓફિસમાં ભીડ ઓછી કરવા માટે અધિકારીઓના કામકાજના કલાકો સવારે ૯ થી ૫:૩૦ વાગ્યે, ૯:૩૦ થી ૬ વાગ્યા અને સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૬:૩૦ વાગ્યા સુધી કરવામાં આવ્યા છે.

સચિવ અથવા વિભાગ અધ્યક્ષ અધિકારીઓની ઉપસ્થિતિની નિગરાની રાખી શકે છે અને પ્રશાંસનિક સ્તર પર વધુ અધિકારીઓની હાજરીનો આદેશ આપવામાં આવશે. કાર્મિક રાજયમંત્રી જીતેન્દ્રસિંહે કહયું કે દિવ્યાંગ કર્મી અથવા ગર્ભવતી મહિલાઓને ઓફિસ જવાની જરૂરીયાત રહેશે નહિ અને તેઓ આવતા આદેશ પછી ઘરેથી જ કામ કરશે. જે કર્મચારીઓને જે દિવસે ઓફિસ નહિ જવુ પડે. તેઓ તેમના ઘરથી જ ટેલીફોન અથવા અન્ય ઇલેકટ્રોનિક માધ્યમોથી કામકાજ કરી શકશે.

(3:09 pm IST)