Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને પણ કારણદર્શક નોટિસ હવે ચૂંટણી પંચે આપી

શહીદ ઉપર વાંધાજનક ટિપ્પણી બદલ નોટિસ : ચૂંટણી પંચ દ્વારા સુપ્રીમના હુકમ બાદ આક્રમક કાર્યવાહી

ભોપાલ, તા. ૨૦ : ચૂંટણી પંચે મુંબઈ હુમલામાં શહીદ થયેલા પોલીસ અધિકારી હેમંત કરકરેના સંદર્ભમાં વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ ભોપાલ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને કારણદર્શક નોટિસ ફટકારી છે. પ્રજ્ઞાસિંહ ઠાકુરે ભારે હોબાળો થયા બાદ આ સંદર્ભમાં પોતાના નિવેદન બદલ માફી માંગી લીધી છે પરંતુ હવે તેમની સામે ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને ભોપાલના કલેક્ટર સુદામ ખાડેએ આજે કહ્યું હતું કે, પ્રજ્ઞા ઠાકુરના નિવેદનની ગંભીર નોંધ લેવામાં આવી છે. આ મામલામાં સહાયક ચૂંટણી અધિકારી પાસેથી રિપોર્ટની માંગ કરવામાં આવી છે. અમે આ કાર્યક્રમના આયોજક અને એ વ્યક્તિની સામે નોટિસ જારી કરી રહ્યા છે જે વ્યક્તિએ આ નિવેદન કર્યું છે. ૨૪ કલાકમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. ગુરુવારે સાંજે ભોપાલ ઉત્તર વિધાનસભા ક્ષેત્રના ભાજપ કાર્યકરોની બેઠકમાં મુંબઈ એટીએસના તત્કાલિન વડા હેમંત કરકરે ઉપર જેલમાં અત્યાચાર ગુજારવાનો પ્રજ્ઞાએ આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે, આના કારણે કરકરેને સર્વનાશ થવાનો શ્રાપ આપ્યો હતો. ટૂંકાગાળા બાદ જ ત્રાસવાદીઓએ કરકરે પર હુમલો કર્યો હતો. અલબત્તા આ નિવેદન બાદ ચારેતરફથી ટિકાટિપ્પણી થયા બાદ પ્રજ્ઞાએ આ નિવેદન પરત લઇ લીધું હતું અને માફી માંગી લીધી હતી. સાધ્વી પ્રજ્ઞાએ એટીએસના તત્કાલિન વડા કરકરે ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે, કસ્ટડીના ગાળા દરમિયાન ભારે અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.

પ્રજ્ઞા ૨૦૦૮માં થયેલા માલેગાંવ બ્લાસ્ટ મામલામાં આરોપી છે અને હાલમાં જમીન ઉપર ચાલી રહ્યા છે. આ મામલાની તપાસ કરકરેના નેતૃત્વમાં કરવામાં આવી હતી. ૨૬મી નવેમ્બર ૨૦૦૮ના દિવસે પાકિસ્તાનમાંથી આવેલા આતંકવાદીઓએ મુંબઈના અનેક સ્થળો ઉપર હુમલા કર્યા હતા. એજ ગાળા દરમિયાન કરકરે અને મુંબઈ પોલીસના અન્ય કેટલાક અધિકારી શહીદ થયા હતા.

(7:54 pm IST)