Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

સુપ્રિમ કોર્ટે કહ્યું કે ચીફ જસ્ટીસને નિષ્ક્રિય કરવા પાછળ કોઈ મોટી તાકાતનો હાથ છે : સંયમ અને જવાબદારીથી કામ કરવાનું સુપ્રિમ કોર્ટે મીડિયાના વિવેક ઉપર છોડી દીધુ : સુપ્રિમ કોર્ટમાં ૩૦ મિનિટ સુનાવણી ચાલી : શ્રી ગોગોઈની બેચના જસ્ટીસ મિશ્રાએ હુકમ લખ્યો

નવી દિલ્હી : સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ પોતાના વિરૂદ્ધ લગાવવામાં આવેલ આરોપોને અવિશ્વસનીય ગણાવતા આજે સુપ્રિમ કોર્ટમાં આ મામલે અભૂતપૂર્વ સુનાવણી હાથ ધરી હતી અને તેમણે કહ્યું કે 'બહુ મોટી તાકાત' ચીફ જસ્ટીસને નિષ્ક્રિય કરી દેવા માગે છે અને આ આક્ષેપો પાછળ ખૂબ મોટા કાવત્રાનો હાથ છે અને આ આરોપોનું ખંડન કરવા માટે પણ એટલા નીચે નહિં ઉતરીએ. સુપ્રિમ કોર્ટે આ સમગ્ર મામલે સંયમ રાખવા અને જવાબદારીપૂર્ણ કામ કરવાનો મુદ્દો મીડિયાના વિવેક ઉપર છોડી દીધો છે. જેથી ન્યાયતંત્રની સ્વતંત્રતા પ્રભાવિત થાય નહિં.  ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ અરૂણ મિશ્રા અને જસ્ટીસ સંજીવ ખન્નાની સ્પેશ્યલ બેંચે આ મામલે ૩૦ મિનિટ સુનાવણી હાથ ધરી હતી.

ચીફ જસ્ટીસે કહ્યું કે ચીફ જસ્ટીસ વિરૂદ્ધ બેશરમી સાથે યૌન ઉત્પીડનના આરોપ લગાવવામાં આવ્યા છે. કારણ કે કેટલીક મોટી તાકાતો ચીફ જસ્ટીસની ઓફીસને નિષ્ક્રિય કરી દેવા માગે છે. ચીફ જસ્ટીસ ઉપર આવા આરોપ લગાવ્યાના અહેવાલો કેટલાક ન્યુઝ પોર્ટલ ઉપર પ્રકાશિત થયા પછી ચીફ જસ્ટીસે અસામાન્ય અને અસાધારણ રીતે આ બાબતે સુનાવણી હાથ ધરી હતી. અદાલતે કહ્યું કે, ન્યાયતંત્રને બલીનો બોકળો બનાવવામાં આવી શકે નહિં અને મિડીયાએ સત્યનો પત્તો લગાવ્યા વિના આ મહિલાની ફરીયાદનું પ્રકાશન કરવું જોઈએ નહિં.

ચીફ જસ્ટીસે કહ્યું કે આ મામલો એવા સમયે બહાર લાવવામાં આવ્યો છે જયારે તેમની અધ્યક્ષતાવાળી સુપ્રિમ કોર્ટની બેંચ આવતા અઠવાડીયે અનેક સંવેદનશીલ બનાવોની સુનાવણી કરવાની છે અને આ દેશમાં લોકસભાની ચૂંટણીઓનો આ મહિનો પણ છે.

સુપ્રિમ કોર્ટની આ બેંચે વિવાદ પાછળ મોટી તાકાતનો હાથ હોવાનો ઈશારો કર્યો હતો. જે ન્યાયતંત્રની વ્યવસ્થામાં જનતાના વિશ્વાસને ડગમગાવવા માટે સક્ષમ છે. આ બેંચની અધ્યક્ષતા ચીફ જસ્ટીસ કરી રહ્યા હતા પરંતુ તેમણે કાનુની આદેશ આપવા માટેનું કામ જસ્ટીસ મિશ્રા ઉપર છોડી દીધુ હતું.

જસ્ટીસ મિશ્રાએ હુકમ લખાવતા કહ્યું હતું કે, સમગ્ર બાબતે વિચાર કર્યા પછી અમે હાલ તુર્ત કોઈપણ કાનુની આદેશ આપવાથી દૂર રહીએ છીએ અને સંયમ જાળવવાની તથા જવાબદારીથી કામ કરવાનું મીડીયાના વિવેક ઉપર છોડી રહ્યા છીએ. મીડીયા પોતે જ નિર્ણય કરે કે તેણે શું પ્રકાશીત કરવુ જોઈએ ને શુ ન કરવુ જોઈએ. કારણ કે આવા અજુગતા આરોપો ન્યાયતંત્રની ગરીમાને ન પૂરી શકાય તેવી હાનિ પહોંચાડે છે અને ન્યાયતંત્રની સ્વતંત્રતાને નકારે છે અને એટલે અમે આ વખતે બિનજરૂરી સામગ્રીને અલગ કરવાનું કામ મીડિયા ઉપર છોડી રહ્યા છીએ.

ચીફ જસ્ટીસે કહ્યું કે તેમના વિરૂદ્ધ અવિશ્વસનીય આરોપો લગાવવામાં આવ્યા છે અને હું નથી માનતો કે મારે આ આરોપોનું ખંડન કરવા માટે પણ તેમના જેટલુ નીચે ઉતરવુ જોઈએ. જોકે ન્યાયાધીશના રૂપમાં ૨૦ વર્ષની નિઃસ્વાર્થ સેવા આપ્યા પછી આ આરોપો સામે આવ્યા છે.

ચીફ જસ્ટીસે કહ્યું કે, મને પૈસાના મામલામાં કોઈ પકડી શકે તેમ નથી. એટલા માટે લોકોને કંઈક બીજુ જોઈતુ હતુ અને એ તેમને મળી ગયુ છે. ચીફ જસ્ટીસે કહ્યું કે બે દાયકાની સેવા પછી તેમની પાસે પ્રોવિડન્ડ ફંડમાં લગભગ ૪૦ લાખ રૂપિયા છે અને તે સિવાય બેંકમાં ૬.૮૦ લાખ રૂપિયા છે.

ચીફ જસ્ટીસે કહ્યું કે, બે ઓફીસો છે જેમાં પહેલુ વડાપ્રધાનનું અને બીજુ ચીફ જસ્ટીસનું છે ત્યારે આ વિવાદ પાછળ જે લોકો રહેલા છે તેઓ ચીફ જસ્ટીસની ઓફીસને નિષ્ક્રિય કરવા માગે છે. તેનું કહેવુ હતું કે ચીફ જસ્ટીસની ઓફીસને નિષ્ક્રિય કરી દીધા પછી આ દેશમાં એક માત્ર મોટી તાકાત વડાપ્રધાનની ઓફીસ (પીએમઓ) રહેશે.

આ આક્ષેપોથી અત્યંત આઘાત અને ક્રોધિત રંજન ગોગોઈએ ચેતવણીભર્યા સ્વરે કહ્યું હતું કે આ દેશનું ન્યાયતંત્ર બહુ મોટા ગંભીર ખતરામાં છે અને અમે તેવુ થવા દેશું નહિં.

ચીફ જસ્ટીસે કહ્યું કે, હું આ જ ખુરશી ઉપર બેસીશ અને કોઈપણ ભય વિના મારા કાનુની કર્તવ્યોનું પાલન કરીશ. હું મારા ચીફ જસ્ટીસના બાકી રહેલા કાર્યકાળના સાત મહિનામાં કેસોના ચુકાદા આપીશ. હું આવુ કરીશ. શ્રી રંજન ગોગોઈએ ૩ ઓકટોબર ૨૦૧૮ના રોજ ચીફ જસ્ટીસનું પદ ગ્રહણ કરેલ અને આ વર્ષે ૧૭ નવે. ૨૦૧૯ના રોજ તેમનો કાર્યકાળ પૂરો થશે.

રંજન ગોગોઈને ૨૩ એપ્રિલ ૨૦૧૨ના રોજ હાઈકોર્ટના ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા. તેઓ આ પહેલા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહી ચૂકયા છે.

ગોગોઈ સામે યૌન ઉત્પીડનનો આરોપ મૂકનાર મહિલાએ એવો આરોપ પણ મૂકયો છે કે પાછળથી તેને ચીફ જસ્ટીસના નિવાસ ઉપર જસ્ટીસ ગોગોઈની પત્નિ સમક્ષ દંડવત કરવાના અને તેના પગમાં નાક રગળવા મજબૂર કરવામાં આવેલ. ઉપરાંત તેના દિવ્યાંગ કુટુંબીજનને પણ સુપ્રિમ કોર્ટમાંથી પણ નોકરીમાંથી દૂર કરવામાં આવેલ. ન્યાયમુર્તિ ગોગોઈ દ્વારા આ ૩૫ વર્ષની સુપ્રિમ કોર્ટની પૂર્વ કર્મચારી મહિલા સાથે છેડછાડની ૨ ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચીફ જસ્ટીસ થયા પછીના કેટલાક દિવસો પછી ૨૦૧૮માં આ બનાવ બનેલ. મહિલાના કહેવા પ્રમાણે મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેણે આ વાત ઠુકરાવી દીધા પછી તેણે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલ. આ મહિલા એવુ પણ કહે છે કે તેના પતિ અને બીજા એક કુટુંબીજન જે પોલીસ હેડ કોન્સ્ટેબલ હતો જેને ૨૦૧૨માં એક ફોજદારી કેસમાં સસ્પેન્ડ કરી દેવામાં આવેલ. જે પાછળથી પરસ્પર સહમતીથી લિપટાવવામાં આવેલ. આ મહિલાએ એવો આરોપ લગાવેલ કે તેના પતિ અને બીજા કુટુંબીજન સાથે તેને જેલમાં રાખવામાં આવેલ અને છેતરપીંડીના એક બનાવમાં તેને શારીરીક ત્રાસ અને ગાળો આપવામાં આવેલ.

સુપ્રિમ  કોર્ટના સેક્રેટરી જનરલ સંજીવ સુધાકર કોલગાવકરે સંખ્યાબંધ ન્યાયાધીશોને આ મહિલાનો પત્ર મળ્યાની વાતને અનુમોદન આપતા કહેલ કે આ મહિલા દ્વારા લગાવવામાં આવેલ તમામ આરોપો બેબુનિયાદ અને નિરાધાર છે.

(અમર ઉજાલામાંથી સાભાર)

(6:33 pm IST)