Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

ર૩મીએ ત્રીજા તબક્કાનું મતદાન : કાલે સાંજથી પ્રચાર બંધ

ગુજરાત સહિત ૧૪ રાજયોની ૧૧પ બેઠકો માટે યોજાશે મતદાન : આજે અને કાલે પ્રચારનો અંતિમ દિવસઃ અમિત શાહ, મુલાયમ, વરૂણ ગાંધી, જયાપ્રદા સહિતના અગ્રણીઓનું ભાવિ ઇવીએમમાં કેદ થશેઃ જોરશોરથી થઇ રહ્યો છે પ્રચાર

નવી દિલ્હી, તા. ર૦ : મંગળવારે એટલે કે ર૩મીએ લોકસભાની ત્રીજા તબક્કાની ૧૪ રાજયોની ૧૧પ બેઠકો માટે મતદાન થશે. જે માટેના જાહેર પ્રચાર પડઘમનો આવતીકાલે સાંજે અંત આવશે તે પછી ડોર ટુ ડોર પ્રચાર થશે. મંગળવારના મતદાન સાથે કુલ ૩૦૬ બેઠકની ચૂંટણી પૂર્ણ થશે. એટલે કે નવી સરકાર માટે જરૂરી બહુમતીથી વધુ સંખ્યાની બેઠકો પર ચૂંટણી સંપન્ન થશે.

ર૩મીએ ગુજરાત (ર૬), કેરળ, ગોવા, દાદરાનગર હવેલી, દમણ અને દીવ તથા પોંડીચેરીની તમામ તથા આસામ (૪), બિહાર (પ), છતીસગઢ (૭), કર્ણાટક (૧૪), મહારાષ્ટ્ર(૧૪), ઓડીશા (૬), યુપી (૧૦) પ.બંગાળ (પ), અને જમ્મુ-કાશ્મીર (૧) બેઠક માટે મતદાન થશે. પ૪૩ બેઠકો માટે કુલ ૭ તબક્કાની ચૂંટણી યોજાવાની છે. ર૩મી મેએ પરિણામ આવશે.

ગુજરાતમાંથી ભાજપના અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડતા હોઇ આ ત્રીજા તબક્કાની ચૂંટણી ઘણી રસપ્રદ બની છે તેઓ ગાંધીનગરથી ચૂંટણી  લડી રહ્યાં છે.

ત્રીજા તબક્કામાં મુલાયમસિંહ યાદવ, જયાપ્રદા, આજમખાન, વરૂણ ગાંધી વગેરેનું રાજકીય ભાવિ નકકી થશે.

વિપક્ષ માટે ત્રીજુ ચરણ ઘણુ મહત્વનું છે. જયારે સત્તા પક્ષ પોતાનો કિલ્લો મજબુત કરવા માટે આ બેઠકો ઉપર નજર રાખી બેઠો છે. કેરળની ર૦ બેઠક તેના માટે મહત્વની છે.

ત્રીજા તબકકા માટે આજે જોરદારપ્રચાર  થઇ રહ્યો છે. તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કાર્ય કરી રહ્યાં છે. પીએમ મોદી આજે પ.બંગાળ, બિહાર, યુપીમાં સભાઓ સંબોધી રહ્યા છે. જયારે રાહુલ ગાંધી પણ બિહાર - છત્તીસગઢમાં રેલી કરી રહ્યા છે.

(11:51 am IST)