Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

હેવાનો બેખોફ -સમાજ શર્મસાર :યુપી અને છત્તીસગઢમાં લગ્નપ્રસંગમાં આવેલી ત્રણ બાળકી પર બળાત્કાર-હત્યા

યુપીના ઇટાહમા દુષ્કર્મ બાદ ગળું દબાવી બાળકીની હત્યા-:છત્તીસગઢમાં બળાત્કાર બાદ પથ્થર ફટકારી હત્યા

 

નવી દિલ્હી ;દેશમાં બળાત્કારીઓ બેખોફ બન્યા છે દિવસ ઉગે ને દુષ્કર્મની ઘટનાઓ બહાર આવી રહી છે ગુરુવારે ઉત્તર પ્રદેશના ઈટાહ જિલ્લામાં પરિવાર સાથે એક લગ્ન પ્રસંગમાં આવેલી નવ વર્ષની બાળકી સાથે બળાત્કાર અને હત્યાની ઘટના સામે આવી હતી. જિલ્લામાં વધુ થોડા દિવસ પહેલા આવો એક બનાવ સામે આવ્યો હતો જેમાં એક બાળકી પર બળાત્કાર કરીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી.

    બુધવારે છત્તીસગઢમાં 10 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારીને તેની હત્યા કરી દેવામાં આવી હતી.બાળકી પોતાના પરિવાર સાથે કબીરધામ જિલ્લાના એક ગામમાં લગ્નપ્રસંગમાં આવી હતી. કેસમાં 25 વર્ષના યુવકની ધરપકડ કરાઈ છે યુવકે સ્વીકાર્યું હતું કે તેણે બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેના માથામાં પથ્થર ફટકારીને તેને મારી નાખી હતી. યુવક દુલ્હાનો મિત્ર હતો.

   ઉત્તર પ્રદેશના ઈટાહમાં બુધવારે બનેલા એક બનાવમાં લગ્ન પ્રસંગમાં રસોઈ કામ માટે આવેલો એક યુવક નવ વર્ષની બાળકીને લલચાવીને અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં તેની હત્યા કરી નાખી હતી. બાળકીના પિતાને જ્યારે માલુમ પડ્યું કે તેની દીકરી ક્યાંય દેખાઈ નથી રહી ત્યારે તેણે શોધખોળ શરૂ કરી હતી. કેસમાં પિન્ટુ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

   અઠવાડિયા પહેલા ઇટાહ જિલ્લાના એક ગામમાં આઠ વર્ષની એક બાળકીને 18 વર્ષનો યુવક બાંધકામની જગ્યા પર લઈ ગયો હતો. અહીં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. યુવક બાળકીની ડેડબોડીની નજીકમાં પીધેલી હાલતમાં મળી આવ્યો હતો.

   નોંધનીય છે કે ઉત્તર પ્રદેશની જનતા પહેલેથી ઉન્નાવ રેપ મામલે સરકાર પર ગુસ્સે ભરાયેલી છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં બાળકી પર રેપ અને બાદમાં તેની હત્યા કરી નાખવાના કેસને લઈને દેશભરમાં ઠેક ઠેકાણો વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.

   સુરતમાં પણ મહિનાની શરૂઆતમાં એક 11 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકી પર બળાત્કાર ગુજારીને તેને ફેંકી દેવામાં આવી હતી. કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. દેશભરમાં બાળકીઓ સામે થઈ રહેલા આવા અત્યાચાર સામે આખો દેશ રોષ ઠાલવી રહ્યો છે.

 

(12:34 am IST)