Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

મહાભિયોગ પ્રસ્તાવ : વિપક્ષી દળમાં જ મતભેદની પરિસ્થિતિ

ખુદ કોંગ્રેસ પાર્ટીમાં જ મતભેદની સ્થિતિઃ અધૂરી તૈયારીની સાથે મેદાનમાં ઉતરી કોંગ્રેસ : આરજેડી તેમજ તૃણમુલ કોંગ્રેસ બંને મિટિંગમાં ઉપસ્થિત ન રહ્યા

નવીદિલ્હી, તા.૨૦ : કોંગ્રેસ પાર્ટીએ ભલે ૭૧ સાસંદોના હસ્તાક્ષરની સાથે ચીફ જસ્ટિસની વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવને ઉપરાષ્ટ્રપતિને સોંપી દીધો છે પરંતુ વિપક્ષી દળોમાં હજુ પણ આના પક્ષમાં એકતા દેખાઈ રહી નથી. કોંગ્રેસે સીપીએમ, સીપીઆઈ, એસપી, બીએસપી, એનસીપી અને મુસ્લિમ લીગના સમર્થનમાં પત્ર ઉપરાષ્ટ્રપતિ સોંપ્યો છે પરંતુ બિહારમાંમાં પાર્ટીની સાથે ગઠબંધનમાં સામેલ લાલૂ પ્રસાદની આરજેડી અને પશ્ચિમ બંગાળની તૃણમુલ કોંગ્રેસ તેમના પ્રસ્તાવ સાથે દેખાઈ રહી નથી. બંને પક્ષોએ મહાભિયોગને લઇ યોજાયેલી બેઠકમાં પણ ભાગ નથી લીધો. પ્રસ્તાવનું સમર્થન કરનાર મુખ્ય વામદળ સીપીએમમાં પણ આને લઇને મતભેદની સ્થિતિ દેખાઈ રહી છે. એક બાજુ સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીએ પ્રસ્તાવનું સમર્થન કરવાની તૈયારી દર્શાવી છે તો બીજી બાજુ સિનિયર લીડર પ્રકાશ કરાતે આ અંગે મારી પાસે કોઇ માહિતી નથી તેવો ખુલાસો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓરિસ્સાની સત્તાધીશ પાર્ટી બીજેડી પહેલાથી જ આ પ્રસ્તાવના સમર્થન નથી. એટલું જ નહીં ખુદ કોંગ્રેસ  પાર્ટીની અંદર પણ આ પ્રસ્તાવને લઇને મતભેદની સ્થિતિ જોવા મળી રહી છે. સિનિયર લીડર અને પૂર્વ વિદેશમંત્રી સલમાન ખુરશીદે કહ્યું હતું કે, હું આ પ્રસ્તાવના પક્ષમાં નથી જ્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને લઇને પાર્ટીએ કહ્યું હતું કે, તેમની સહી નથી કરાવી કારણ કે, તેઓ પૂર્વ વડાપ્રધાન છે અને તેમની બંધારણીય મર્યાદાને ધ્યાનમાં રાખી તેમને દૂર રખાયા છે.

(7:41 pm IST)