Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ઘાસચારા કાંડ : લાલૂ પ્રસાદની જમાનત અરજી ફગાવી દેવાઈ

લાલૂ પ્રસાદ યાદવને ફરી એકવાર મોટો ફટકોઃ સીબીઆઈને આરજેડી વડા લાલૂ પ્રસાદ યાદવ અંગે ચોથી મે સુધી મેડિકલ રિપોર્ટ રજૂ કરવા કોર્ટનો આદેશ કરાયો

રાંચી, તા.૨૦: ચારા ઘોટાલા સાથે સંબંધિત અનેક કેસોમાં જેલની સજા કાપી રહેલા આરજેડીના નેતા લાલૂ પ્રસાદ યાદવને આજે ફરી એકવાર કોર્ટે મોટો ફટકો આપ્યો છે. દેવઘર તિજોરીમાંથી બનાવટી નિકાસના એક મામલામાં કોર્ટે લાલૂની જમાનત અરજીને ફગાવી દીધી હતી. આની સાથે જ કોર્ટે આ મામલે સીબીઆઈને ચાર મે સુધી લાલૂ પ્રસાદના મેડિકલ રિપોર્ટ રજૂ કરવાનો પણ આદેશ આપ્યો હતો. આ પહેલા ૨૩મી ફેબ્રુઆરીએ લાલૂની જમાનત અરજી ફગાવતા કહ્યું હતું કે, તેમના વિરુદ્ધ અપરાધિક મામલાઓની ગંભીરતાને જોતા આ મામલામાં તેમને જમાનત આપી શકાય તેમ નથી. કોર્ટમાં લાલૂ પ્રસાદ યાદવની તબિયત ખરાબ હોવાનું તારણ આપીને જમાનત અરજી દાખલ કરવામાં આવી હતી જે પ્રશ્ને ન્યાયમૂર્તિ અપરેશ સિંહે શુક્રવારે સુનાવણી ચલાવતા તેને નામંજુર કરવામાં આવી હતી. વકીલો દ્વારા તર્કદાર દલીલો કરી હોવા છતાં કોર્ટે સીબીઆઈને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાંથી લાલૂની મેડિકલ રિપોર્ટ ૪ મે સુધી કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. આરજેડી વડા લાલૂ પ્રસાદ યાદવના વકીલ પ્રભાત કુમારે કહ્યું હતું કે, અદાલતમાં ચાઈબાસા અનેદુમકા તિજોરીના મામલામાં પણ જમાનત અરજી દાખલ કરવામાં આવી છે. જો કે, હજુ સુધીઆ અરજીઓ ઉપર હજુ સુનાવણી ચાલી શકી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘાસચારા કાંડ સંબંધિત મામલામાં સજા આપી દીધા બાદ લાલૂ પ્રસાદ યાદવને પહેલા રાંચી ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને ત્યારબાદ દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનમાં દાખલ કરવામાં આવ્યા હતા.

(7:39 pm IST)