Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

મુંબઇના ૨૪ વર્ષીય સીએ મોક્ષેશ શેઠે કરોડોની સંપત્તિ છોડીને બાકીનું જીવન જૈન સમાજને સમર્પિત કરી દીધુ

અમદાવાદઃ આદ્યાત્મિક રંગમાં રંગાઇને કરોડોની સંપત્તિ છોડીને સીએ મોક્ષેશ શેઠે દીક્ષા લઇને જૈન સાધુ બની જતા તેમનો ભવ્ય દિક્ષાંત સમારોહ યોજાયો હતો.

મુંબઈના સમૃદ્ધ પરિવારના 24 વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટંટે કરોડોની સંપત્તિ છોડી બાકીનું જીવન જૈન સમાજને સમર્પિત કરવાનું નક્કી કર્યું છે. ડાયમંડ, મેટલ અને ખાંડના ઉદ્યોગમાં જાણીતી કંપની જે.કે. કોર્પોરેશનના પરિવારમાંથી આવતા મોક્ષેશ શેઠે આજે દીક્ષા લીધી. દીક્ષાની વિધિ અમદાવાદ-ગાંધીનગર રોડ પર આવેલા તપોવન સર્કલ પાસે હજારો જૈન ભક્તો વચ્ચે સંપન્ન થઈ.

ભણવામાં હોંશિયાર મોક્ષેશનું કહેવું છે કે, “એક નમ્ર વિદ્યાર્થી તરીકે મારે ખાતાવહીઓનું ઓડિટનહીં પરંતુ ધર્મનું ઓડિટકરવું છે. હું જ્યારે 15 વર્ષનો હતો ત્યારે જ મેં જૈન સાધુ બનવાનું વિચાર્યું હતું. સાધુ બનીને મારા મનને શાંતિ મળશે જે મને આ સંસારમાંથી નહીં મળે. મારે ફક્ત મારી ખુશીઓ નહીં, બધા ખુશ રહે તે જોઈએ છે.

મોક્ષેશનો પરિવાર મૂળ ઉત્તર ગુજરાતના ડીસાનો છે અને છેલ્લા 60 વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયેલો છે. મોક્ષેશના પિતા સંદીપભાઈ અને કાકા ગિરીશ શેઠ હજી પણ મુંબઈમાં સંયુક્ત કુટુંબમાં રહે છે. સંદીપભાઈના 3 પુત્રોમાંથી મોક્ષેશ સૌથી મોટો પુત્ર છે. વાલ્કેશ્વર વિસ્તારની માનવ મંદિર સ્કૂલમાં મોક્ષેશે અભ્યાસ કર્યો છે. ધોરણ 10માં 93.38% અને ધોરણ 12માં 85% મેળવ્યા હતા. H.R. કોલેજમાં મોક્ષેશે કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. સાંગલીમાં ફેમિલી બિઝનેસ સંભાળતાં પહેલા CAનું ભણવાનું પૂરું કર્યું.

ગિરીશ શેઠે કહ્યું કે, “મોક્ષેશ પહેલેથી જ આધ્યાત્મમાં રસ ધરાવે છે. 8 વર્ષ પહેલા મોક્ષેશે પ્રથમવાર સાધુ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અમે તેને પહેલા અભ્યાસ પૂરો કરીને દુનિયાને એકવાર જોવા માટે સમજાવ્યો. અમારા પરિવારના 200 વર્ષના ઈતિહાસમાં મોક્ષેશ પ્રથમ પુરુષ છે જે સાધુ બનવા જઈ રહ્યો છે. જો કે અમારા પરિવારની 5 પુત્રીઓ પહેલાં જૈન સાધ્વી બની ચૂકી છે.

મોક્ષેશે કહ્યું કે, પરિવારે ઘણો વિચાર કર્યા બાદ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં મને દીક્ષા લેવા માટે મંજૂરી આપી.જે બાદ શેઠ પરિવાર ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 15 સ્થળોએ મોક્ષેશની શોભાયાત્રા યોજી ચૂક્યો છે. મોક્ષેશથી પ્રેરાઈને તેના 85 વર્ષના દાદાએ પણ દીક્ષા લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પણ વડીલ સંતોએ તેમને સમાજમાં જ રહીને સમાજની સેવા કરવાનું કહ્યું.

(6:35 pm IST)