Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

આ વર્ષના પ્રારંભિક ૪ મહિનામાં પેટ્રોલની કિંમતમાં ૪ રૂપિયા અને ડિઝલની કિંમતમાં પ થી ૬ રૂપિયાનો વધારોઃ પેટ્રોલ-ડિઝલનો ભાવ પાંચ વર્ષમાં ટોચ ઉપર પહોંચ્યો

નવી દિલ્‍હીઃ  પેટ્રોલ અને ડીઝલની કિંમત સતત વધી રહી છે. ક્રુડની વધી રહેલી કિંમતો વચ્ચે પેટ્રોલની કિંમત પાંચ વર્ષમાં ટોચ પર પહોંચી ગઈ છે જ્યારે ડીઝલની કિંમતમાં પણ સારો એવો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલની કિંમત 74 રૂ. 8 પૈસા પ્રતિ લિટર સુધી પહોંચી ગઈ છે જે સપ્ટેમ્બર, 2013 પછી સૌથી વધારે છે. ડીઝલની કિંમત દિલ્હીમાં 65 રૂ. અને 31 પૈસા પ્રતિ લિટર સુધી પહોંચી ગઈ છે. મહાનગરમાં સૌથી ખરાબ હાલત મુંબઈની છે જ્યાં પેટ્રોલની કિંમત 81 રૂ અને 93 પૈસા પ્રતિ લિટર થઈ ગઈ છે. 

એપ્રિલની શરૂઆતથી માંડીને અત્યાર સુધી પેટ્રોલની કિંમત 50 પૈસા વધી ગઈ છે જ્યારે ડીઝલની કિંમતમાં 90 પૈસા જેટલો વધારો થયો છે. આ વર્ષના શરૂઆતના ચાર મહિનામાં પેટ્રોલની કિંમતમાં લિટરે ચાર રૂ.નો અને ડીઝલની કિંમતમાં 5-6 રૂ.નો વધારો થઈ ચૂક્યો છે. 

પેટ્રોલ અને ડીઝલની વધી રહેલી કિંમતનું કારણ આંતરરાષ્ટ્રીાય માર્કેટમાં કાચા તેલની વધી રહેલી કિંમત છે. હવે એની કિંમત રોજ રિવાઇઝ થાય છે. ક્રુડ ઓઇલની કિંમત જેમ વધે છે તેમ ભાવ વધે છે અને ઘટે છે તો ભાવ ઘટે છએ. ક્રુડની કિંમત 2014 પછી અત્યારે સૌથી વધારે છે. આ સિવાય યુએસ અને યુરોપિયન યુનિયન તરફથી ઇરાન પર પ્રતિબંધ લગાવવાની સંભાવનાને કારણે ક્રુડ ઓઇલની કિંમતમાં હજી વધારો થવાની આશંકા છે. 

(6:13 pm IST)