Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ફોન બિલ - ઘરભાડુ જેવા રિઇમ્બર્સમેન્ટ પર જીએસટી લાગુ નહીં થાય

નવી દિલ્હી તા. ૨૦ : ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે રાહતરૂમ સમાચાર છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે ફોન બિલ સહિતના બિલના રિઈમ્બર્સમેન્ટ પર જીએસટી લાગુ નહીં થાય. અગાઉ અહેવા અહેવાલો હતા કે પગારદાર વર્ગ પર તવાઈ આવશે અને રિઈમ્બર્સમેન્ટ પર જીએસટી લાગશે.

સરકારે કહ્યું છે કે ઘરનું ભાડું, ટેલિફોન બિલ, વધારાના આરોગ્ય વીમા કવરેજ માટેનું પ્રીમિયમ, મેડિકલ પરીક્ષણ, વાહન, જીમ, વ્યાવસાયિક પોશાક, મનોરંજન અને આ પ્રકારના ખર્ચના રિઈમ્બર્સમેન્ટ પર કોઈ જીએસટી લાગશે નહીં. ઓથોરિટી ઓફ એડવાન્સ્ડ રુલિંગે નિર્ણય કર્યો હતો કે કર્મચારીઓના કેન્ટિન ચાર્જીસ પર જીએસટી લાગુ થશે. ત્યારબાદ રિઈમ્બર્સમેન્ટને પણ જીએસટી લાવવા અંગે વિચારણા થઈ રહી હોવાના અહેવાલ હતા. જીએસટી અંગેનો નિર્ણય જીએસટી કાઉન્સિલ કરે છે.

ઓથોરિટી ઓફ એડવાન્સ્ડ રુલિંગ(AAR)નો નિર્ણય જીએસટી કાઉન્સિલને બાધ્ય નથી. એએઆર નાણામંત્રાલય અંતર્ગત આવે છે અને તેનું મોટાભાગનું કામ ઈન્કમ ટેકસ વિભાગ સંબંધિત હોય છે. અગાઉ એવા અહેવાલ હતા કે તમારા મોબાઈલ ફોન બિલ, મકાનનું ભાડું, યુનિફોર્મ અને અન્ય સેવાઓ પર જીએસટી લાગુ થશે. જેને કારણે કંપનીઓએ તેમના કર્મચારીના સેલરી સ્ટ્રકચરમાં ફેરફાર કરવો પડશે.

(12:52 pm IST)