Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

એકનું એક જૂઠ વારંવાર કહેવાથી સત્ય બની જતું નથીઃ સર્જીકલ સ્ટ્રાઇક વિશે મોદી જૂઠું બોલે છેઃ પાકની કાગારોળ

ઇસ્લામાબાદ તા. ૨૦ : વર્ષ ૨૦૧૬માં લાઈન ઓફ કંટ્રોલ (એલઓસી) પાસે સર્જિકલ સ્ટ્રાઇક કરી હોવાના ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નિવેદનોને પાકિસ્તાને ખોટા અને પાયાવિહોણા લેખાવી નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે ખોટી વાત વારંવાર કહેવાથી તે સાચી નથી બની જતી. લંડન ખાતે 'ભારત કી બાત, સબકે સાથ' કાર્યક્રમમાં બોલતા મોદીએ બુધવારે કહ્યું હતું કે પ્રસારમાધ્યમ અને લોકો સમક્ષ જાહેર કરતા અગાઉ સર્જિકલ સ્ટ્રાઇક અંગે પાકિસ્તાનને માહિતગાર કરવા ભારતે રાહ જોઈ હતી.

મોદીએ કહ્યું હતું કે ભારતના લોકોને જાણ કરતા અગાઉ સર્જિકલ સ્ટ્રાઇક અંગે આપણે પહેલા પાકિસ્તાનને જાણ કરવી જોઈએ.

અમે સવારે ૧૧ વાગ્યાથી તેમને ફોન કરી રહ્યા હતા, પરંતુ તેઓ ફોન પર આવતા ગભરાઈ રહ્યા હતા. બાર વાગ્યે અમે તેમની સાથે વાત કરી હતી અને ત્યાર બાદ ભારતના પ્રસારમાધ્યમને એ અંગે જાણ કરી હતી, એમ મોદીએ કહ્યું હતું.

મોદીના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા પાકિસ્તાનના વિદેશ ખાતાના કાર્યાલયના પ્રવકતા મોહંમદ ફૈઝલે ગુરુવારે કહ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઇક અંગેના ભારતના દાવા ખોટા અને પાયાવિહોણા છે. એકનું એક જૂઠાાણું વારંવાર કહેવાથી તે સત્ય નથી બની જતું, એમ તેમણે કહ્યું હતું.

પાકિસ્તાન આતંકવાદની નિકાસ કરી રહ્યું હોવાના મોદીએ કરેલા નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા તેમણે દાવો કર્યો હતો કે ખરેખર તો વાસ્તવિકતા જુદી જ છે અને ભારત જ પાકિસ્તાનમાં આતંકવાદને ટેકો આપી રહ્યું છે. ભારતીય જાસૂસ કુલભૂષણ જાધવ તેનો જીવતોજાગતો પુરાવો હોવાનું તેમણે કહ્યું હતું.(૨૧.૧૧)

(11:55 am IST)