Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

જનતા કર્ફ્યુના લીધે દિલ્હી મેટ્રો ૨૨મીએ બંધ જ રહેશે

દેશમાં અનેક પરિવહન સેવાઓ ૨૨મીએ બંધ : સાવચેતીના પગલારુપે એક પછી એક નિર્ણયનો દોર જારી

નવી દિલ્હી, તા. ૨૦ : કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  ૨૨મી માર્ચના દિવસે જનતા કર્ફ્યુની અપીલ કરી છે. આને ધ્યાનમાં લઇને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને એ દિવસે મેટ્રો નહીં ચલાવવાનો નિર્ણય કર્યો છે. ડીએમઆરસી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, લોકોને ઘરમાં રહેવા અને સોશિયલ મિડિયાથી અંતર રાખવાના હેતુસર આ નિર્ણય કરાયો છે. દિલ્હી મેટ્રોએ એડવાઈઝરી જારી કરીને કહ્યું છે કે, શ્રેણીબદ્ધ પગલા લેવામાં આવી રહ્યા છે. દિલ્હી મેટ્રોના યાત્રીઓને સૂચના આપવામાં આવી છે કે, જરૂરી હોય તો જ મેટ્રો લેવાની અપીલ કરવામાં આવી છે. મેટ્રોમાં યાત્રીઓને ઉભા રહેવાની તક આપવામાં આવશે નહીં. આ ઉપરાંત એક સીટ છોડીને બેસવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હીના તમામ મેટ્રો સ્ટેશન પર થર્મલ સ્ક્રિનિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જો કોઇને કોરોના વાયરસના લક્ષણ છે અથવા તો તાવ છે તો તરત જ મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે.

            સ્થિતિને ધ્યાનમાં લઇને તમામ પગલા લેવાઈ રહ્યા છે. દિલ્હીની સાથે સાથે દેશના અન્ય રાજ્યોમાં પણ પરિવહન સેવાને હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી રહી છે. દિલ્હીમાં તમામ મોલને બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ભારતમાં હજુ સુધી કેસોની સંખ્યા મર્યાદિત રહી છે પરંતુ આંકડાઓમાં વધારો થઇ રહ્યો છે તે જોતા આ નિર્ણય લેવાઈ રહ્યા છે. કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં કેસોની સંખ્યા ખુબ ઉંચી પહોંચી ચુકી છે. ચીન, ઇટાલી, ઇરાન સહિતના દેશો કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યા છે. કોરોનાને લઇને તમામને દહેશત સતાવી રહી છે. જનતા કર્ફ્યુના પરિણામ સ્વરુપે રવિવારના દિવસે મેટ્રો ટ્રેન નહીં દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૨મી માર્ચના દિવસે જનતા કર્ફ્યુ રાખવામાં આવનાર છે આનેતમામ લોકોએ સમર્થન આપ્યું છે.

(7:39 pm IST)