Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

શેરબજારમાં ખરીદીની મોસમ

ઇન્વેસ્ટરોએ તળિયે ખરીદીનો ભરપુર લાભ લીધો

ડિલવરી બેઝ વોલ્યુમમાં ૩૫ થી ૪૦ ટકાની વૃધ્ધિ

મુંબઇ,તા.૫ : કોરોના વાઇરસના કારણે શેર માર્કેટમાં અત્યારે 'સેલ' જેવી સ્થિતિ છે જેનો લાભ રોકડ થી સમૃધ્ધ રોકાણકારો લઇ રહ્યા છે. માર્કેટ મધ્યસ્થીઓના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ ટ્રેડિંગ દિવસોમાં તેમના ડિલવરી  બેઝ વોલ્યમમાં ૩૫-૪૦ ટકા વૃધ્ધિ થઇ છે રાકણોકારો હાલમાં 'સસ્તા' ભાવે મળી રહેલા ફ્રાન્ટલાઇન શેરની સાથે મિડ-કેપ્સમાં પણ ખરીદી કરી રહ્યા છે. અનુભવે ઘડાયેલા રોકાણકારો બજારમાં વધુ ઘટાડે વધુ ખરીદીની માનસિક તૈયારી સાથે નવાં નાણાં બજારમાં ઠાલવી રહ્યાં હોવાનું બ્રોકર્સ જણાવે છે.

''છેલ્લા ત્રણ દિવસોમાં એમ સતત કામ કર્યુ છે કેશ લઇને બેઠેલા રોકાણકારોની સતત પૂછપરછને કારણે અમે ટર્મિનલ્સ સામે બેસી રહ્યા છીએ અને ટ્રેડ કર્યા છે.'' એમ એએલબી સ્ટોક બ્રોકિંગના ડિરેકટર આશિક પટેલ જણાવે છે. તેમના દૈનિક કામકાજમાં ૪૦ ટકા વૃદ્ધિ થઇ હોવાનું તેઓ જણાવે છે. તેમણે કહ્યું કે, આ રોકાણકારો બજારમાં મધ્યમથી લાંબાગાળા માટે નવાં નાણાં લાવી રહ્યા છે. કેમ કે આ પ્રકારની તક કયારેક જ મળે છે જ્યારે માર્કેટમાં મોટો વર્ગ વેચી રહ્યો હોય અને ધીરજવાન વર્ગ ખરીદી કરી રહ્યા હોય. તેમનું એમ પણ કહેવું છે કે ઘણા સમય થી ભારતીય બજાર રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવી રહ્યું હતું. કેટલાક કવોલિટી લાર્જ-કેપ્સ ખૂબ મોંઘા ભાવે ટ્રેડ થઇ રહ્યા હતા. જેમાં ખરીદી કરવા માટે તેમનું ઘટવું જરૂરી હતું. હાલમાં જે વર્ગ ખરીદી કરી રહ્યા છે તેના આવા મોકાની રાહ હતી. તે મુખ્યત્વે એફએમસીજી, કેપિટલ ગૂડ્સ, આઇટી અને રિલાયન્સ ઇન્ડ જેવાં કાઉન્ટર્સમાં ખરીદી કરી રહ્યો છે. સાથે કેટલાક કવોલિટી મિડ-કેપ્સ પણ તેના રડારમાં હોવાનું પટેલા જણાવે છે. માર્કેટ વધુ ઘટે તો પણ આ વર્ગ વધુ ખરીદવા માટે તૈયાર છેઅને તેથી તે હાલમાં ૪૦ ટકા મૂડી જ બજારમાં રોકી રહ્યો છે. માર્કેટમાં વધુ ઘટાડો આવે તો સરેરાશ કરવા તે તૈયાર છે.

ગુરૂવારે ભારતીય બજારે તેનું ત્રણ વર્ષનું તળિયું દર્શાવ્યું હતું જ્યાંથી તેમાં બાઉન્સ આવ્યો અને બજાર રેડમાંથી ગ્રીન ઝોનમાં પરત ફર્યુ હતું. છેલ્લા દોઢ મહિના દરમિયાન ભારતીય બેન્ચમાકર્સ તેમની ટોચથી ૩૭ ટકાનો તીવ્ર ઘટાડો દશાર્વી રહ્યા છે. ભારતીય બજાર આટલા ટૂંકા ગાળામાં બાઉન્સ વિના પ્રથમવાર આ કદનો ઘટાડો દર્શાવી રહ્યું છે. ટેક્નિકલ એનાલિસ્ટ્સિ માની રહ્યા છે કે બજાર ટૂંકા ગાળામાં એક તીવ્ર પુબલેક દર્શાવી શકે છે. જોકે આમ કરવા માટે વૈશ્વિક બજારનો સપોર્ટ મળી રહ્યો નથી. ''માસિક ચાર્ટ પર જોઇએ તો આરએસઆઇ ઓવરસોલ્ડ છે. જે ભારતીય બજારમાં અગાઉ કયારેય નહીં જોવા મળેલી સ્થિતિ સૂચવે છે અને તેથી આગમી સપ્તાહ એક પુબલેક આવી શકે છે.'' આમ એચડીએફસી સિકયોરિટીઝના સિનિયર ટેક્નિકલ એનાલિસ્ટ વિનય રાજાણી જણાવે છે. તેમના મતે અગાઉ ૨૦૦૧, ૨૦૦૪ અને ૨૦૦૮માં તીવ્ર ઘટાડા દરમિયાન પણ માસિક આરએસઆઇ ઓવરસોલ્ડ બન્યો નથી. તેથી હાલમાં બજાર અસાધારણ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે.

અમદાવાદ સ્થિત ગોલ્ડમાઇન સ્ટોકસના ડિરેકટર સમીર ગાંધી જણાવે છે કે છેલ્લાં કેટલાંક સત્રોમાં ઇન્કવાયરી ઘણી વધી છે. જોકે કામકાજમાં ૨૦ ટકાથી વધુ વૃદ્ધિ નથી. ''જેઓ લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે તેમને હાલના ભાવ જોઇને ખરીદવાની ઇચ્છા થાય છે પરંતુ સેન્ટિમેન્ટ નરમ હોવાથી તેઓ ખચકાઇ રહ્યા છે.'' એમ ગાંધી જણાવે છે. અમારી સાથે ચર્ચા કર્યા બાદ તેઓ ૧૦-૨૦ પૈસા જ બજારમાં રોકે છે અને બાકીનાં નાણાં હાથ પર જાળવી રાખે છે એમ તેઓ ઉમેરે છે. તેમના મતે જો વૈશ્વિક બજારોમાં સ્થિરતા સ્થપાશે તો ભારતીય બજારમાં સારો બાઉન્સ જોવા મળી શકે છે.

(4:19 pm IST)