Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

દિલ્હીઃ કોરોના ઈફેકટથી સરકારે મોલ સદંતર બંધ કર્યા, કેજરીવાલે કરી જાહેરાત

નવી દિલ્હી, તા.૨૦: કોરોનાના ભયને કારણે દિલ્હી સરકાર હવે સતર્ક થઈ છે. દિલ્હી સરકારે મોલને સદંતર બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલાં કેજરીવાલ સરકારે રેસ્ટોરન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ અંગેની જાણકારી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ટવીટ કરી આપવામાં આવી હતી.

ગુજરાત, છત્તીસગઢ અને ચંડીગઢમાં ગુરુવારે કોરોના વાઇરસના પહેલા દર્દીઓ નોંધાવાની સાથે દેશમાં કોરોના વાઈરસના ૨૨ નવા કેસો નોંધાયા છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી કોરોના વાઈરસ સતત ફેલાઈ રહ્યો છે, જેને પરિણામે અનેક રાજયોમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે. શ્રીનગર શહેરમાં બધા જ જાહેર પરિવહન પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. કાશ્મીર ખીણના અનેક ભાગોમાં લોકોના આવાગમન પર પ્રતિબંધ છે.

પંજાબમાં પણ લગભગ તાળાબંધીની સ્થિતિ છે. પંજાબ સરકારે શુક્રવારથી જાહેર પરિવહન સેવાઓ બંધ કરી દેવાની તેમજ ૨૦થી વધુ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધની જાહેરાત કરી છે. વધુમાં રાજય સરકારે લગ્ન સ્થળો, હોટેલ્સ, રેસ્ટોરાં, બેન્કવેટ્સ અને જાહેર ભોજનાલયોને બંધ રાખવાનો આદેશ કરી દીધો છે. દિલ્હીમાં કેજરીવાલ સરકારે પણ રેસ્ટોરાં બંધ રાખવાના આદેશ આપ્યા છે, પરંતુ હોમ ડિલિવરી સેવાઓ ચાલુ રાખવામાં આવશે. રાજય સરકારના બધા જ વિભાગો, સ્વાયત્ત સંસ્થાઓ અને જાહેર એકમોને જાહેર કાર્યક્રમો બંધ કરી દેવા જણાવાયું છે. ઉપરાંત શુક્રવારથી બીન આવશ્યક સરકારી સેવાઓ બંધ કરવા નિર્દેશો અપાયા છે.

દેશમાં કોરોનાને પ્રસરતો અટકાવવાના પ્રયાસના ભાગરૂપે સરકારે ૨૨મી માર્ચથી એક સપ્તાહ માટે બધી જ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે.વધુમાં કેન્દ્ર સરકારે તેના બી અને સી શ્રેણીના ૫૦ ટકા કર્મચારીઓને દ્યરેથી કામ કરવા અને બાકીના ૫૦ ટકા કર્મચારીઓને ઓફિસ આવવાના આદેશ આપ્યા છે. ઓફિસ આવનારા કર્મચારીઓના કામના કલાકોમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે. કર્મચારીઓ વારાફરતી ઓફિસ અને દ્યરેથી કામ કરશે. આ આદેશો ૪થી એપ્રિલ સુધી લાગુ રહેશે. આ આદેશ કેન્દ્રીય કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલયે જાહેર કર્યા છે. જોકે, કોરોના વાઇરસ સંબંધિત કામોમાં જોડાયેલા કર્મચારીઓ પર આ આદેશો લાગુ નહીં પડે.

કેન્દ્ર સરકારે રાજયોને, ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને દ્યરેથી જ કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા વિનંતી કરી છે. દેશમાં કોરોનાની ઝપેટમાં આવેલા લોકોની કુલ સંખ્યા ૧૯૭ થઈ ગઈ છે, જેમાં ઈટાલીના ૧૭, ફિલિપાઈન્સમાંથી ૩, યુકેમાંથી બે, કેનેડા, ઈન્ડોનેશિયા અને સિંગાપોરમાંથી એક-એક એમ કુલ ૨૫ વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત તેમાં દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર અને પંજાબમાંથી ચાર મોતનો પણ સમાવેશ થાય છે.

(4:08 pm IST)