Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

બજારો શાંત : લોકોની સંગ્રહખોરી માનસિકતા જાગી

વડાપ્રધાન મોદીજીએ સ્પષ્ટ કહ્યું છે કે, તમામ વસ્તુઓ મળશે, લોકો સંગ્રહ ન કરે : ઘરેલુ - રોજબરોજની વસ્તુઓના સંગ્રહની જરૂર નથી : જનતા કર્ફયુ માત્ર એક જ દિવસનો છે : બજારોમાં તમામ ઘરેલુ ચીજો મોટા જથ્થામાં ઉપલબ્ધ છે

રાજકોટ, તા. ૨૦ : ગુજરાતમાં કોરોના વાયરસના આજ સુધીમાં પાંચ કેસો નોંધાયા છે. તેમાં રાજકોટ શહેરમાં બે કેસ પોઝીટીવ નોંધાતા તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે જાહેર ઉદ્દબોધનમાં રવિવારે જનતા કર્ફયુ કરવા અપીલ કરી છે અને એકસાથે વધુ લોકોને સાથે ન રહેવા કરેલ અપીલના પગલે આજે સવારથી જ શહેરના રસ્તાઓ ઉપર ચહલ-પહલ ઓછી જોવા મળી રહી છે. બજારો શાંત બની ગઈ છે. દરમિયાન અમુક લોકો પોતાના ઘરોમાં સંગ્રહખોરી કરી રહ્યાનું જાણવા મળે છે. પરંતુ વડાપ્રધાન મોદીજીએ સ્પષ્ટ કહ્યું છે કે તમામ વસ્તુઓ મળશે, લોકો સંગ્રહ ન કરે.

દેશભરમાં કોરોના વાયરસના સતત વધી રહેલ કેસોના લીધે ભયનું વાતાવરણ છવાઈ ગયુ છે. લોકોને હવે ભય થઈ રહ્યો છે કે કદાચ વિશ્વના અમુક દેશોની જેમ અહિં પણ લોકડાઉનની પરીસ્થિતિ ઉભી થાય તો શું થશે? તેની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ લોકો પોતાના ઘરોમાં અનાજ સહિતની ચીજવસ્તુઓ સંગ્રહ કરતા થઈ ગયાનું જાણવા મળે છે.દરમિયાન ઘરેલુ કે રોજબરોજની વસ્તુઓના સંગ્રહની કોઈ જરૂર નથી. ૨૨મી માર્ચ રવિવાર એક જ દિવસ માટે જનતા કર્ફયુ છે.

બજારોમાં તમામ ઘરેલુ ચીજવસ્તુઓનો મોટો જથ્થો ઉપલબ્ધ હોવાનું તંત્ર દ્વારા અગાઉથી જાહેર કરી દેવામાં આવ્યુ છે.

(4:02 pm IST)