Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

પ્રતિબંધાત્મક આદેશોનો રાજકોટમાં કડક અમલ

કોરોના વાયરસ ભયંકર સ્વરૂપ ધારણ ન કરે તે માટે પોલીસ અને મ્યુનિ. કોર્પો. મેદાનમાં: એકપણ વિસ્તારમાં ટોળા ભેગા નહીં થવા દેવા કાર્યવાહીઃ વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ : રાજકોટમાં મોલ-બાગ બગીચા-શાળા કોલેજો-ટ્યુશન કલાસ-ધાર્મિક સ્થળો વગેરે બંધ રાખવા આદેશઃ રાત્રે ખાણી-પીણીની બજારો પણ બંધ કરાવાય તેવી શકયતાઃ સ્વચ્છતા-સફાઇ ઉપર ભારઃ સમગ્ર શહેરમાં કોરોના વાયરસની જ ચર્ચાઃ રવિવારે જનતા કર્ફયુ મક્કમપણે પાળવા શહેરીજનોની તૈયારી

ચા-પાનની દુકાનો પાસેથી ટોળા વિખેરાવાયાઃ કોરોના વાઇરસના સંક્રમણને રોકવા શહેરભરની ચા-પાનની દુકાનોએ પ્રતિબંધાત્મક આદેશનો કડક અમલ પોલીસ દ્વારા કરાવવામાં આવ્યો તે વખતની તસ્વીરમાંં ચાની હોટલો-પાનની દુકાનોએથી લોકોના ટોળાઓને દુર કરી અને આવી દુકાનોના વેપારીઓને કડક સુચનાઓ આપી રહેલા પોલીસ અધિકારી શ્રી ગડુ સહીત ટ્રાફીક પોલીસના કર્મચારીઓ દર્શાય છે. આ તકે કેટલીક દુકાનો પણ બંધ કરાવાયેલ. (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

રાજકોટ,તા.૨૦: મ્યુ.કોર્પોરેશન દ્વારા કોરોના વાઇરસ સામે સુરક્ષા માટે વિવિધ પગલાંઓ લેવાઇ રહ્યા છે. જેના ભાગ રૂપે  આજે સવારથી શહેરભરમાં જાહેર સ્થળો-રસ્તાઓ પરનાં ચા-પાનનાં લારી ગલ્લાઓ બંધ કરવા ઝુંબેશાત્મક કાર્યવાહી શરૂ કરાઇ હતી. શહેરના વિવિધ માર્ગો ઉપર ચા-પાનના ગલ્લા ઉપર ટોળાઓને વિખેરવા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આ કાર્યવાહી કોરોના વાયરસ વધુ ફેલાય નહીં તે માટે તકેદારીના સ્વરૂપે કરી હતી. આજે શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓ, બાગ-બગીચાઓ, ટ્યુશન કલાસ, ધાર્મિક સ્થળો, સિનેમા ગૃહો વગેરે બંધ રહ્યા છે. સમગ્ર શહેરમાં કોરોના વાયરસની જ ચર્ચા છે. રવિવારે જનતા કર્ફયુ પાળવા લોકો પણ મક્કમ છે.

મ્યુ.કમિશનરશ્રીએ જણાવેલ કે ચા હોટલો અને પાનની દુકાનોએ પ્રતિબંધનાત્મક આદેશનો કડક અમલ કરાવાશે. જ્યારે રસ્તા-ફુટપાથ પરથી ચા-પાનની કેબીનો લારી ગલ્લાઓની જપ્ત કરાશે.

આ અંગે એસ્ટેટ ઓફીસ શ્રી જાડેજાના  જણાવ્યા મુજબ 'મ્યુ.કમિશનરશ્રીની સુચનાથી આજે સવારથી જગ્યા રોકાણ વિભાગની ટીમો દ્વારા રાજમાર્ગો -જાહેર જગ્યાઓ પર ચા-પાનની લારી-ગલ્લાનાં દબાણો પોલીસ બંદોબસ્ત સાથે દુર કરવામાં આવી રહ્યા છે.અને તમામ જાહેર સ્થળો રસ્તાઓને 'ઝીરો-ટોલરન્સ' એટલે કે સંપૂર્ણ દબાણમૂકત કરવા સુચનાઓ અપાઇ છે. આથી આ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે.

આ અંગે સતાવાર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પરથી અનાધિકૃત દબાણો હટાવવા માટે રાજકોટ શહેર પોલીસ સાથે સંકલન કરી વોર્ડ ઓફિસર, પોલીસ અને દબાણ હટાવ શાખાના સ્ટાફની બનેલી વોર્ડ વાઈઝ ટીમોની રચના કરવામાં આવેલી છે. આ દબાણ હટાવ ટીમ દ્વારા થઇ રહેલી કામગીરીની વિગતો મુજબ તા.૯-૦૩-૨૦૨૦ ના રોજ ઈસ્ટ ઝોનની ત્રણેય ટીમો દ્વારા કુલ ૦૭ રેકડી/કેબીન(મારવાડી, અનામી) અને  ૧૬ નંગ પરચુરણ માલ-સામાન(મારવાડી, અનામી) જપ્ત કરેલ છે તથા કુલ ૩૪ બોર્ડ/બેનર(અનામી) જપ્ત કરેલ છે, તેમજ શાકભાજી/ફળ/ફુલ વગેરેનો કુલ ૧૫૫ કિ.ગ્રા જથ્થો(અનામી) જપ્ત કરેલ છે, આ ઉપરાંત રૂ. ૧૦૦૦ મંડપ/છાજલી ચાર્જ અને  રૂ.૮૫૦૦ વહિવટી ચાર્જ(રમેશભાઈ, નરેશભાઈ, અન્ય અનામી) વસુલ કરેલ છે. સેન્ટ્રલ ઝોનની ત્રણેય ટીમો દ્વારા કુલ ૦૪ રેકડી/કેબીન(પ્રભુભાઈ, અમીતભાઈ, રાજુભાઈ, હેમુભાઈ) અને ૦૨ નંગ પરચુરણ માલ-સામાન(અનામી) જપ્ત કરેલ છે, તેમજ કુલ ૧૮ જેટલા બોર્ડ/બેનર(અનામી) અને ૧૮૦ કિ.ગ્રા શાકભાજી/ફુલ/ફળ વગેરેનો જથ્થો જપ્ત કરેલ છે, આ ઉપરાંત રૂ.૮૫૦૦વહિવટી ચાર્જ વસુલ કરેલ છે. વેસ્ટ ઝોનની ત્રણેય ટીમો દ્વારા ૦૧ રેકડી/કેબીન અને વિવિધ પ્રકારના ૨૫ નંગ પરચુરણ માલ-સામાન(શ્રીરામ ચાઈનીઝ, સંજુબાબા) જપ્ત કરેલ છે, તેમજ શાકભાજી/ફળ/ફુલ વગેરેનો કુલ ૧૧૮ કિ.ગ્રા જથ્થોૅ૧૬૪ લીલા નારિયેળ(મનાલી ફ્રુટ, જલારામ ફ્રુટ, સંજુબાબા, અન્ય અનામી) તથા કુલ ૪૪ બોર્ડ/બેનર જપ્ત કરેલ છે, આ ઉપરાંત રૂ.૧૧૫૦૦ વહિવટી ચાર્જ(વિનાયક એકિઝબીશન, શીવ ફ્રુટ વગેરેનો) વસુલ કરેલ છે, તેમ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું છે.

(3:24 pm IST)