Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

જમ્મુ-કાશ્મીરના કેટલાક જિલ્લા લોકડાઉન કાશ્મીરમાં કફર્યુ જેવી સ્થિતિ

જમ્મુ,તા.૨૦:કાશ્મીરમાં કોરોનાના વધુ એક કેસને સમર્થન મળ્યા બાદ જમ્મુ-કાશ્મીરના અનેક જિલ્લાઓમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. કાશ્મીરમાં કર્ફયુ જેવો પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે તો જમ્મુ, ઉધમપુર, સાંબા, કઠુઆ, ડોડા વગેરે જિલ્લામાં કરિયાણા અને દવાની દુકાનોને બાદ કરતા તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.

વાહનવ્યવહાર પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા બાદ ટ્રેનો પણ રદ કરી દેવામાં આવી છે અને પરિસ્થિતિને અંકુશમાં લેવામાં સહકાર આપવાનું જણાવી લોકોને ઘરની બહાર ન નીકળવાની વિનંતી કરવામાં આવી છે.

સઉદી અરબથી બુધવારે કાશ્મીર ખીણપ્રદેશમાં પાછી ફરેલી ૬૭ વર્ષની મહિલા કોરોનાથી પ્રભાવિત હોવાને સમર્થન મળ્યા બાદ કોરોના વાઈરસના પોઝિટિવ લોકોના સંપર્કમાં આવેલા લોકોને સરકારે તબીબી પરીક્ષણ કરાવવાની અપીલ કરી હતી.

કાશ્મીરમાં કોરોના વાઈરસે કરેલા પગપેસારા બાદ તેને વધુ ફેલાતો અટકાવવા સાવચેતીનાં પગલાંરૂપ સરકારે તમામ જિલ્લાઓમાં ૧૪૪મી કલમ લાગુ કરી લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાડી દીધો છે અને શહેર તરફ જતા મુખ્ય રસ્તાઓ પર તાર લગાડી દેવામાં આવ્યા છે.સરકાર દ્વારા લાદવામાં આવેલા આ પ્રતિબંધોને કારણે સંપૂર્ણ કાશ્મીરમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે જેને કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ લોકડાઉનને કારણે વેપારીઓ સૌથી વધુ પરેશાન છે કેમ કે વેપાર પૂર્ણપણે ઠપ થઈ ગયો છે.

(11:39 am IST)