Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ભારત માટે ચિંતાનું કારણ

મહામારી દેશનાં બે તૃત્યાંશ વિસ્તારમાં પહોંચી

કુલ ૧૯૫ કેસ : ૪ના મોત : ૨૦ સ્વસ્થ : ૨૦ નવા કેસ સામે આવ્યા : અનેક રાજ્યોમાં મુકાયા નિયંત્રણો

નવી દિલ્હી તા. ૨૦ : કોરોના વાયરસ મહામારીના ચેપનો વ્યાપ દેશના બે તૃત્યાંશથી વધારે વિસ્તારો સુધી પહોંચી ગયો છે. જ્યારે ગુરૂવારે દેશમાં આ રોગથી ચોથું મોત થયું છે.

છત્તીસગઢ અને ચંદીગઢમાં ગઇકાલે સવારે કોરોનાના નવા કેસ જાહેર થયા હતા. જ્યારે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં આના ૨૦થી વધારે નવા કેસો બહાર આવ્યા છે. હવે ઉત્તરપ્રદેશ, દિલ્હી, ચંદીગઢ, રાજસ્થાન, કેરળ, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ગુજરાત અને તામિલનાડુમાં કોરોનાના દર્દીઓ મળી ચૂકયા છે. જો કે આ મહામારીને ફેલાતી રોકવા માટે ઘણા રાજ્યોએ પ્રતિબંધો મુકી દીધા છે.

પંજાબ સરકારે આજે મધરાતથી જ બધી જાહેર પરિવહન સેવાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં સાર્વજનિક પરિવહન બંધ કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળ અને હિમાચલમાં પર્યટકોના આગમનને રોકી દેવાયું છે.

કેન્દ્ર સરકારે ચેપને ફેલાતો રોકવા માટે ૫૦ ટકા સરકારી કર્મચારીઓને ઘરેથી કામ કરવા કહ્યું છે. આ દેશમાં કહેવાયું છે કે ગ્રુપ બી અને સીના ૫૦ ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આદેશ અપાયો છે. ઘણી ખાનગી બેંકોએ પોતાની ઓફિસોમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડી નાખી છે. ગ્રાહકોને બેંકમાં ન આવવા અને મોટાભાગનું કામ ઓનલાઇન કરવાની સલાહ અપાઇ છે. ઘણી ખાનગી કંપનીઓએ ઘરેથી કામ કરવાની નીતિ અપનાવી છે.

કેન્દ્ર સરકારે ૨૨ માર્ચથી બધા આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનોને દેશમાં ઉતરવા પર એક અઠવાડીયા સુધી પ્રતિબંધ મુકયો છે. ડીજીસીએના આદેશ અનુસાર ૨૨ માર્ચના રાતના દોઢ વાગ્યા પછી કોઇપણ કોમર્શિયલ ફલાઇટ દ્વારા આવનાર યાત્રીકો પછી તે ભારતીય હોય કે વિદેશી, ભારતની ધરતી પર નહીં ઉતરવા દેવાય.

મુસાફરોના અભાવે ૮૪ વધુ ટ્રેનોને ૨૦ થી ૩૧ માર્ચ સુધી કેન્સલ કરી દેવાઇ છે. આના લીધે કુલ કેન્સલ થયેલ ટ્રેનોનો આંકડો ૧૫૫ પર પહોંચ્યો છે. રેલવે કેન્સલ થયેલ ટ્રેનના પેસેન્જરોને પુરેપુરી રકમ રિફંડ આપશે અને કોઇ કેન્સેલેશન ચાર્જ નહીં લાગે.

(10:26 am IST)