Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

અડધો કલાક ફાંસીના ફંદા પર લટકતાં રહ્યા ચારેય નરાધમ, નાડી તપાસી ડોકટરે મૃત જાહેર કર્યા

નવી દિલ્હી, તા.૨૦: સાત વર્ષ જેટલા લાંબા ઈંતજાર બાદ આખરે નિર્ભયા પર ગેંગરેપ કરીને તેની દ્યાતકી હત્યા કરનારા ચારેય નરાધમ પવન, અક્ષય, વિનય અને મુકેશને આખરે ફાંસી આપી દેવાઈ છે. કોર્ટે ડેથ વોરન્ટ જાહેર કર્યું હતું તે અનુસાર બરાબર ૫.૩૦ના ટકોરે તિહાર જેલના જેલરે સફેદ રુમાલ ફરકાવીને જલ્લાદને ફાંસીનું લીવર ખેંચવા ઈશારો કર્યો હતો, અને તે જ સેકન્ડે આ ચારેયના ગળામાં ફાંસીનો ફંદો કાઈ ગયો હતો.

જેલ મેન્યુઅલ અનુસાર, સાડા પાંચે ફાંસી આપ્યા બાદ ચારેયને અડધો કલાક સુધી ફંદા પર લટકાવી રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તિહાર જેલના મેડિકલ ઓફિસરે ફાંસીના ફંદા પર ઝૂલી રહેલા નરાધમોની નાડી ચકાસી હતી, અને આખરે તેમને સત્તાવાર રીતે મૃત જાહેર કરાયા હતા. આ સાથે જ નિર્ભયાને ન્યાય મળ્યો હતો.

સામાન્ય રીતે ફાંસી અપાય ત્યારે ગળાનું હાડકું તૂટી જવાના કારણે કેદીનું મોત થતું હોય છે. જો આમ થાય તો ફાંસીએ લટકનારો થોડી જ મિનિટોમાં મરી જાય છે, અને તેને તકલીફ પણ ઓછી પડે છે. પરંતુ ગળાનું હાડકું ન તૂટે તો તેને મરવામાં વધારે સમય લાગે છે, અને તે તરફડિયા મારતો રહે છે. ફાંસીએ લટકાવાયા બાદ કેદીનું મોત સુનિશ્ચિત કરવા માટે જ તેને અડધો કલાક સુધી ફંદા પર લટકાવી રખાય છે.

ફાંસી અપાયા બાદ ચારેય મૃતકોનું દિલ્હીની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ કરવામાં આવશે. પીએમ થઈ ગયા બાદ તેમના મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપી દેવાશે. જો તેમના પરિવારજનો મૃતદેહ ન સ્વીકારે તો તિહાર જેલમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

(10:24 am IST)