Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

નિર્ભયાનાં ચારેય ગુનેગારોને એક સાથે ફાંસી

૭ વર્ષ... ૩ મહિના...૩ દિવસ બાદ નિર્ભયાના પરિવાર માટે ઉગ્યો ન્યાયનો સુરજઃ ચારેય દોષિતોને વ્હેલી સવારે ૫.૩૦ કલાકે તિહાર જેલમાં લટકાવી દેવાયાઃ નિર્ભયાની માતાનું નિવેદન...આજે મારી પુત્રીને ન્યાય મળ્યોઃ ૨૦૧૨ની ૧૬ ડીસેમ્બરે નિર્ભયા ઉપર થયો હતો જુલ્મ

નવી દિલ્હી, તા.૨૦: ૨૦૧૨ની ૧૬ ડિસેંબરની રાતે દિલ્હીમાં દોડતી બસમાં ગેંગરેપનો ભોગ બન્યા બાદ મૃત્યુ પામેલી ૨૩ વર્ષની મેડિકલ વિદ્યાર્થિની 'નિર્ભયા'ને એની પરના અત્યાચારના સાત વર્ષના લાંબા સમયગાળા બાદ આખરે આજે ન્યાય મળ્યો છે. એની પર સિતમ ગુજારનાર ચારેય અપરાધીને આજે સવારે ૫.૩૦ વાગ્યે અહીંની તિહાર જેલમાં ફાંસીના માચડે લટકાવી દેવામાં આવ્યા હતા.

ચારેય અપરાધીને આજે ફાંસી આપી દેવાયા બાદ નિર્ભયાનાં માતા આશાદેવીએ કહ્યું, આજે મારી દીકરીને ન્યાય મળ્યો છે અને મેં માતા તરીકેનો ધર્મ પૂરો કર્યો છે. હું મારી દીકરીનું રક્ષણ તો કરી ન શકી, પણ એને માટે લડી જરૂર.

ચાર નરાધમ અપરાધી – વિનય કુમાર, અક્ષય ઠાકુર, મુકેશ સિંહ અને પવન ગુપ્તાએ ફિઝિયોથેરપીની વિદ્યાર્થિની પર ૨૦૧૨ની ૧૬ ડિસેંબરે જુલ્મ ગુજાર્યો હતો.

ચારેય અપરાધીને આજે ફાંસી આપી દેવાતા આ કેસ પર આખરે પડદો પડી ગયો છે.

તિહાર જેલના ડાયરેકટર જનરલ સંદીપ ગોયલે આજે સમર્થન આપ્યું હતું કે વિનય, અક્ષય, મુકેશ અને પવનને સવારે બરાબર ૫.૩૦ વાગ્યે ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ૬.૧૦ વાગ્યે ચારેયને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.

નિર્ભયા પર છ નરાધમોએ બળાત્કાર કર્યો હતો. એમાંનો એક સગીર વયનો હતો, જેને ૩ વર્ષ સુધી સુધારણા ગૃહમાં મોકલી દેવાયા બાદ અને ત્યાં એણે ત્રણ વર્ષ પૂરા કર્યા બાદ એને છોડી મૂકવામાં આવ્યો હતો. રામ સિંહના મુખ્ય અપરાધીએ કોર્ટ કાર્યવાહી દરમિયાન એક દિવસ તિહાર જેલમાં આત્મહત્યા કરી હતી.

નિર્ભયા તરીકે ઓળખાવાયેલી એ પીડિતા અને એનો બોયફ્રેન્ડે ૧૬ ડિસેંબરની એ કમનસીબ રાતે એક ખાનગી બસ પાસે લિફ્ટ માગી હતી. છ નરાધમોએ બંનેને બસમાં લીધા બાદ છોકરી પર ગેંગરેપ કર્યો હતો અને એના બોયફ્રેન્ડની મારપીટ કરી હતી. બાદમાં બંનેને રસ્તા પર ફેંકી દીધા હતા. નિર્ભયાને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ એની ઈજા ખૂબ ગંભીર હતી પરિણામે એ ૧૩ દિવસ બાદ મૃત્યુ પામી હતી.

ચાર ગુનેગારને ૧૩ સપ્ટેંબર, ૨૦૧૩માં અપરાધી જાહેર કરવામાં આવ્યા હતા.

અપરાધીઓને ફાંસીએ લટકાવી દેવાયાની જાહેરાત કરાતાં જ તિહાર જેલની બહાર ઊભેલા લોકોએ આનંદ વ્યકત કર્યો હતો અને નિર્ભયાને શ્રદ્ઘાંજલિ રૂપે તિરંગો ફરકાવ્યો હતો. લોકો 'નિર્ભયા ઝિંદાબાદ', 'ન્યાયતંત્રનો આભાર'જેવા લખાણવાળા પોસ્ટર સાથે આવ્યા હતા.

(10:21 am IST)