Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોરોના વાયરસ સામે લડવા મદદગાર થઇ શકે છે દવા : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કરી મોટી જાહેરાત

Remdesiver નામની દવા આ લક્ષણોને ઘટાડવામાં અસરકારક : મેલેરિયા અને આર્થરાઇટિસ માટેની દવાએ પણ સારા પરિણામ બતાવ્યા છે

નવી દિલ્હી : કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવ્યો છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું છે કે મેલેરિયા અને આર્થરાઇટિસ માટેની દવા હાઈડ્રોક્સિક્લોરોક્વીને કોરોના વાયરસને મટાડવા સંદર્ભમાં ઘણા સારા પરિણામો બતાવ્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે જણાવ્યું હતું કે અગાઉ મેલેરિયા અને આર્થરાઇટિસ જેવા રોગો માટે વપરાતી દવાઓ અત્યારે કોરોના સામે અસરકારક સાબિત થાય તેવી સંભાવનાઓ છે. અમેરિકામાં કોરોના વાયરસના કેસ 10000થી વધી ગયા છે જયારે 176 અમેરિકનોના મોત નીપજ્યા છે. 

ટ્રમ્પે જણાવ્યું છે કે Remdesiver નામની દવા આ લક્ષણોને ઘટાડવામાં અસરકારક હોય તેમ લાગી રહ્યું છે. નોંધનીય છે કે આખી દુનિયામાં અત્યારે વૈજ્ઞાનિકો આ મહામારીની રસી અને દવાઓ શોધવામાં લાગ્યા છે.

Remdesiver એક જનરલ એન્ટી વાઈરલ દવા છે જે છેલ્લા એક દાયકાથી વપરાય છે જેનો ઉપયોગ ઇબોલાની ટ્રીટમેન્ટ માટે પણ કરવામાં આવે તેવી શક્યતા હતી. અત્યારે આ દવા કોરોનાના એવા દર્દીઓને અપાય છે જે રોગના ન્યુમોનિયા સ્ટેજમાં સપડાયા છે જ્યાં શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.

ગુરુવારે વ્હાઈટ હાઉસમાં મીડિયા સામે ટ્રમ્પે કહ્યું હતું કે તેમને આશા છે કોરોના અંગે આ સારા સમાચાર છે અને આ દવાઓની અસરકારકતા વિષે થોડા જ સમયમાં ખબર પડી જશે. 

વિશ્વભરમાં ઓસ્ટ્રેલિયા અને ચીનના વૈજ્ઞાનિકોએ પણ કોરોના વાયરસને લઈને રસી શોધવામાં સારા પરિણામો બતાવ્યા છે. આ રસીઓ થોડા જ સમયમાં માણસ ઉપર પરીક્ષણ કરવા માટે યોગ્ય બની જશે. જો કે આ રસીઓ દર્દીઓ ઉપર રેગ્યુલર ધોરણે શરુ કરવામાં 18 મહિના જેટલો સમય લાગશે.

(1:16 am IST)