Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

વારાણસીના મહાસ્મશાન મણિકર્ણીકા ઘાટ ઉપર સળગતી ચિતાઓ વચ્ચે રમાય છે હોળી

સદીઓથી ચાલી આવતી પરંપરાઃ લોકમાન્યતા મુજબ ભગવાન શંકર અહિં પોતાના ગણો સાથે હોળી રમે છે : આ ઉત્સવ ગુલાલ અને ચિતાની રાખથી રમાય છેઃ દેશ-વિદેશથી આવેલ મોટી સંખ્યામાં લોકો હોળી રમે છે

વારાણસીઃ દેશભરમાં આજે હોળી ઉજવાઇ રહી છે ત્યારે વારાણસીના મણિકર્ણીકા ઘાટ ખાતે રમાતી હોળી એકદમ અલગ જ હોય છે. મણિકર્ણીકા ઘાટ ખાતે લોકો મોટી સંખ્યામાં અંતિમ સંસ્કાર કરવા આવે છ.ે ભોલેનાથના ભકતોએ અહી સોમવારે ચિતાની ભસ્મથી હોળી રમી હતી. સદીઓથી ચાલતી પરંપરા મુજબ ભકતોએ સૌપ્રથમ ડમરૂ વગાડી મણિકર્ણીકા ઘાટ સ્થિત મશાનનાથ મંદિરમાં આરતી, પુજા કરી ભષ્મ અર્પીત કરી હતી.

મંદિરના વ્યવસ્થાપક ગુલશન કપુરના જણાવ્યા મુજબ આ ઉત્સવ ઔધડદાની, મશાનનાથ સાથે હોળીનો છે માન્યતા મુજબ અગીયારસના બીજા દિવસે ભોલેનાથ પોતાના ભકતોને મહાસ્મશાનમાંથી આશીર્વાદ આપે છે. શંકર ભગવાન પોતાના ગણો સાથે મહાસ્મશાન મણિકર્ણીકા પહોંચી ગુલાબ અને ભસ્મ સાથે હોળી રમે છે.

મસાન મંદિરનું નિર્માણ ૧૬મી સદીમાં રાજા માનસિંહે કરાવ્યું હતું. અન્ય એક પ્રચલીત માન્યતા પ્રમાણે શંકર ભગવાન માતા ગૌરી સાથે આવેે છે અને દેવી-દેવતાઓ અને મનુષ્યો સાથે હોળી રમે છે, પણ તેમના પ્રિય ત્રણ ભૂત, પ્રેત, પિશાચ અને અદૃશ્ય શકિતઓ તેમાં આવી શકતી ન હોય તેથી બાબા બીજા દિવસે મસાનમાં તેમની સાથે હોળી રમે છે. આ ઘાટ ઉપર દરરોજ ૧૦૦ જેટલા અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. અહીં દેશ-વિદેશથી આ અલૌકિક હોળીમાં સામેલ થવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.

(4:15 pm IST)