Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

વાવાઝોડા 'ઇદાઇ' થી આફ્રિકામાં મૃત્યુ આંક વધીને ૧૩૦૦ ઝિમ્બાબ્વેમાં ૩૦૦ અને મોઝામ્બીકમાં ૧ હજાર મોતઃ ૧ લાખથી વધુનું સ્થળાંતર

મોઝામ્બીકમાં ૧૭ લાખ લોકો સીધા વાવાઝોડાની અસર હેઠળઃ યુએન ઝિમ્બાબ્વેમાં ર૦ હજારથી વધુ ઘરોને મોટું નુકશાન

વાવાઝોડા 'ઇદાઇ'એ ઝિમ્બાબ્વે અને મોઝામ્બીકમાં ૧૩૦૦ થી વધુ લોકોના જીવ લીધા હોવાની આશંકા છે. ઝિમ્બાબ્વેમાં અત્યાર સુધીમાં ૧૦૦ લોકોના મોત થઇ ચૂકયા છે પણ આ આંકડો ૩૦૦ને પાર થઇ જવાની શંકા છે. ત્યારે બીજી તરફ મોઝામ્બીકમાં ૧  હજાર લોકોના મોત થયા છે. ઝીમ્બાબ્વે સરકારના મંત્રી જુલાઇ મોયોએ કેબીનેટ બેઠક બાદ જણાવેલ કે અત્યાર સુધીમાં ૧૦૦ લોકોના મોત થયા છે. કેટલાક લોકોના કહેવા મુજબ આંકડો ૩૦૦ને પાર થઇ શકે છે પણ અમે તેની પુષ્ટી નથી કરી શકતા. કેટલાક મૃતદેહો પાણીમાં તરી રહ્યા છે અને કેટલાક પાણીમાં વહીને મોઝામ્બીક પહોંચી ગયા છે.

સૂચના મંત્રાલય મુજબ ઓછામાં ઓછા ૨૧૭ લોકો ગુમ છે અને ૪૪ લોકો ફસાયેલા છે. મોઝામ્બીકના રાષ્ટ્રપતિ ફિલીપ ન્યૂસીએ જણાવેલ કે આ સૌથી મોટા આપદા છે, જેમાં દેશના ૧ હજાર લોકોના મૃત્યુ થયા છે અને ૧ લાખથી વધુ લોકોનું સુરક્ષીત જગ્યાએ સ્થાનાંતર કરાયું છે.

ઝિમ્બાબ્વે સરકારે સોમવારે તોફાન બાદ ઇમરજન્સી રાહત અને માળખાગત સુવીધા માટે તાત્કાલીક ૩૪૫૫ કરોડ જાહેર કરી દીધેલ. પાડોશી દેશ મોઝામ્બીકના માનીકલેન્ડ, માસવિંગો અને પૂર્વીય વિસ્તાર માશોનાલેન્ડમાં મોટા પાયે નુકશાન થયેલ. સૌથી વધુ પ્રભાવિત વિસ્તારમાં ચિમાનીમની જીલ્લો છે, જ્યાં સૌથી વધુ લોકોના મોત થયા છે. રસ્તાઓ અને પુલ ખુબજ ક્ષતીગ્રસ્ત થયેલા છે. વરસાદ અને પુરના કારણે ઘર ધરાશાયી થવાથી હજારો લોકો બેઘર થઇ ગયેલ. સરકારે પુરને રાષ્ટ્રીય આપદા જાહેર કરી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મદદની અપીલ કરી છે. સયુંકત રાષ્ટ્રે પણ જણાવેલ કે મોઝામ્બીકમાં ૧૭ લાખ લોકો વાવાઝોડા ઇદાઇના રસ્તામાં સીધી અસર હેઠળ આવ્યા છે. મલાવીમાં ૯.ર૦ લાખ લોકો પ્રભાવીત થયેલ. જયારે ઝિમ્બાબ્વેમાં ર૦ હજારથી વધુ ઘર નુકશાન પામ્યા છે.

(3:58 pm IST)