Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

પ્રિયંકાનો મોદી પર વળતો પ્રહાર

જનતાને મૂર્ખ સમજવાનું બંધ કરે વડાપ્રધાન

પ્રિયંકાએ પીએમ પર કર્યો કટાક્ષ : જે સત્તામાં હોય છે તેમને હોય છે આ ગેરસમજ

વારાણસી તા. ૨૦ : ત્રણ દિવસની ગંગા યાત્રા દરમિયાન વારાણસી પહોંચેલા પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડાપ્રધાન મોદીના બ્લોગ પર વળતો જવાબ આપ્યો છે. પ્રિયંકાએ કહ્યું કે અમને જેટલા હેરાન કરવામાં આવશે, તેટલા જ અમે મજબૂતીથી લડીશું. પ્રિયંકાએ કહ્યું કે, અમે ડરનારાઓ પૈકીના નથી. કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ જનતાને મૂર્ખ સમજવાનું બંધ કરી દેવું જોઈએ. મોદી સરકારે છેલ્લા પાંચ વર્ષમાં સંસ્થાનો પર હુમલો કર્યો છે.

વડાપ્રધાન પર કટાક્ષ કરતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, જે સત્તામાં હોય છે તેમને ૨ ગેરસમજ હોય છે. પહેલી એ કે તેઓ સરળતાથી લોકોને ગુમરાહ કરી શકે છે, બીજું એક કે તેમને લાગે છે કે જે તેમની વિરુદ્ઘ બોલે છે તેઓ તેમનાથી ડરે છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા 'સાંચી બાત' લઈને પૂર્વાંચલના ચૂંટણી પ્રવાસ પર છે. આજે પ્રિયંકા ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં રહેશ, જયાં તેઓ અનકે ઘાટો-મંદિરોની મુલાકાત લેશે. આ દરમિયાન પ્રિયંકા કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરશે. પ્રિયંકાની ગંગા યાત્રાનો આજે વારાણસી આખરી પડાવ હશે.

અગાઉ, પ્રિયંકા ગાંધીએ ત્રણ દિવસોની ગંગા યાત્રા પર પ્રયાગરાજથી પ્રયાણ કર્યું હતુ્ર, જે લગભગ ૧૪૦ કિમીની છે. પ્રિયંકા ગાંધીની ગંગા યાત્રા પ્રયાગરાજથી વારાણસી સુધીની છે. પ્રિયંકાની ગંગા યાત્રાનો આજે ત્રીજા અને અંતિમ દિવસ છે. નોંધનીય છે કે, બે દિવસોના પોતાના પ્રવાસ દરમિયાન પ્રિયંકાએ વડાપ્રધાન મોદી પર જોરદાર હુમલા કર્યા છે.

(3:53 pm IST)