Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

માયાવતીનું એલાન

માયાવતીની લોકસભા ચૂંટણી ન લડવાની ઘોષણા : ભારે સસ્પેન્સ

કોંગ્રેસ સાથે દેશમાં કોઇ જગ્યાએ ગઠબંધન હોવાનો ઇન્કાર : કોંગ્રેસ દ્વારા ફેલાવવામાં આવી રહેલા ભ્રમમાં ન પડવા કાર્યકરોને માયાવતીએ અપીલ કરી : જ્યારે ઇચ્છા હશે ત્યારે લોકસભા ચૂંટણી જીતી જશે : માયાવતી

નવીદિલ્હી, તા. ૨૦ : લોકસભા ચૂંટણીને લઇને રાજકીય ગરમી ચરમસીમા પર પહોંચી ગઈ છે. રાજકીય રસાકસી વધી રહી છે ત્યારે બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ મોટી જાહેરાત કરી દીધી છે. લખનૌમાં પત્રકાર પરિષદ દરમિયાન માયાવતીએ કહ્યું હતું કે, આ વખતે તેઓ લોકસભાની ચૂંટણી લડશે નહીં. માયાવતીએ ભાજપ ઉપર આ ગાળા દરમિયાન આકરા પ્રહાર કર્યા હતા. મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, તેઓ જ્યારે પણ ઇચ્છે ત્યારે લોકસભા ચૂંટણી જીતી શકે છે. અમારા ગંઠબંધનની સ્થિતિ ખુબ મજબૂત છે. લોકસભા ચૂંટણી આ વખતે તેઓ લડશે નહીં. જરૂર પડશે તો કોઇપણ સીટથી ચૂંટણી લડી શકે છે. આ પહેલા માયાવતીએ નગીના લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો સંકેત આપ્યો હતો. માયાવતીએ આ ગાળા દરમિયાન પોતાના ચૂંટણી નહીં લડવાના નિર્ણય અંગે વાત કરતા કહ્યું હતું કે, પાર્ટી અને જનહિતને ધ્યાનમાં લઇને ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં જ્યાંથી પણ ઇચ્છા હશે ત્યાંથી સીટ ખાલી કરાવીને સંસદમાં જઇ શકે છે. ચૂંટણી લડવાને લઇને કાર્યકરોની ઇચ્છા અલગ હોવા છતાં તેમની લોકસભા સીટ ઉપર પ્રચાર કરવા માટે કાર્યકરો જશે જેથી બાકી સીટ ઉપર ચૂંટણીને લઇને અસર થશે. ઉત્તરપ્રદેશની ૮૦ લોકસભા સીટ પર સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી, આરએલડીના હિસ્સા તરીકે રહેશે. બસપ ૩૮, સપા ૩૭ અને આરએલડી ત્રણ સીટો ઉપર ચૂંટણી લડનાર છે. બે સીટો અમેઠી અને રાયબરેલીને કોઇપણ ગઠબંધન વગર કોંગ્રેસ માટે છોડી દેવામાં આવી છે. આ પહેલા સોમવારના દિવસે બસપના વડાએ કોંગ્રેસની દરિયાદિલી પર કોઇ પ્રતિક્રિયા આપી ન હતી. કોંગ્રેસ સાત સીટો છોડવાની વાત કરે છે અને રાજ્યમાં તમામ ૮૦ સીટો ઉપર પોતાના ઉમેદવારને ઉતારવા માટે કોંગ્રેસ સ્વતંત્ર છે. માયાવતીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, બહુજન સમાજ પાર્ટી ફરી એકવાર સ્પષ્ટ કરવા માંગે છે કે, ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી સાથે તેમના કોઇપણ પ્રકારના તાલમેલ અથવા તો ગઠબંધન નથી. અમારા લોકો કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવી રહેલા ભ્રમને લઇને દુવિધામાં ન આવવા માયાવતીએ અપીલ કરી છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ આ અંગેની પ્રતિક્રિયા આપી છે અને માયાવતીના અભિપ્રાયને ટેકો આપ્યો છે. બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીના ચૂંટણી નહીં લડવાના નિર્ણયને લઇને બીજા પક્ષોએ હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી પરંતુ માયાવતી ચૂંટણી નહી લડવાની સ્થિતિમાં બસપના કાર્યકરોના નૈતિક જુસ્સાને ચોક્કસપણે અસર થશે. ઉત્તરપ્રદેશની ચૂંટણી સૌથી નિર્ણાયક બનનાર છે. કારણ કે, અહીં લોકસભાની સૌથી વધુ ૮૦ સીટો છે.

 

(6:18 pm IST)