Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

સપ્તાહમાં ૪ દિવસ જ કામ કરવાનું હોય તો?

૬૬ ટકા ભારતીયો નવી સ્કિલ શીખવા ઇચ્છશે અથવા તો શોખને સમય આપશેઃ ફ્રાંસ, જર્મની, અમેરિકા, બ્રિટનના લોકો 'વધુ ઉંઘવા' ઇચ્છે છે

નવી દિલ્હી તા. ૨૦ : જો અઠવાડિયામાં ચાર જ દિવસ કામ કરવું પડે તો ૬૬ ટકા ભારતીય પ્રોફેશનલ્સ નવી સ્કિલ શીખવા ઈચ્છશે અથવા તો શોખને સમય આપશે. હાલના જ એક સર્વેમાં એ વાત સામે આવી છે. 'ફયૂચર ઓફ વર્કપ્લેસ' સીરિઝ Knronosના સર્વેમાં મોટાભાગના લોકોએ નવું કશુંક શીખવાની ઈચ્છા જાહેર કરી હતી તો ઓછા એવા લોકો મળ્યાં હતાં. જેમણે સિનેમા જોવાની, મ્યૂઝિક સાંભળવાનું પસંદ કરશે તેમ જણાવ્યું હતું.

Kronosના ભારતમાં મેનેજર જેમ્સ થોમસે કહ્યું કે, 'એમાં કશું આશ્ચર્ય નથી કે યુવા ભારત નવી સ્કિલ્સની શોધમાં છે.' વૈશ્વિક સ્તરની વાત કરવામાં આવે તો લોકોની પર્સનલ લાઈફમાં પાંચ સૌથી મોટી ઈચ્છાઓમાં પરિવાર સાથે સમય પસાર કરવો, મુસાફરી, કસરત, દોસ્તો સાથે સમય પસાર કરવો અને શોખને સમય આપવો છે.

ફ્રાંસ, જર્મની, અમેરિકા અને બ્રિટનના મોટાભાગના કર્મચારીઓએ 'વધારે સૂવા'ની ઈચ્છા જાહેર કરી છે. તો મેકિસકોમાં મોટાભાગના લોકોએ કહ્યું કે તેઓ ટીવી, મૂવી જોવામાં અને ગીત સાંભળવામાં પોતાનો સમય આપવા ઈચ્છે છે. સર્વેમાં ઓસ્ટ્રેલિયા, કેનાડા, ફ્રાંસ, જર્મની, ભારત, મેકિસકો, બ્રિટન અને અમેરિકાના ૩ હજાર કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સર્વેમાં એ વાત સામે આવી હતી કે ભારતના લોકો સૌથી વધારે મહેનત કરે છે. ૬૯ ટકા લોકોએ કહ્યું કે તેઓ અઠવાડિયાના પાંચ દિવસ કામ કરવા ઈચ્છે છે. ભલે જેટલો પગાર હોય તેટલા જ પગારમાં ઓછા દિવસે કામ કરવાની આઝાદી ઈચ્છે છે. મેકિસકોમાં ૪૩ અને અમેરિકામાં ૨૭ ટકા કર્મચારીઓ પાંચ દિવસ કામ કરવાનું પસંદ કરશે.

(10:34 am IST)