Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ચૂંટણીની દિશા નક્કી કરશે સોશ્યલ મીડિયા-યુવા મતદારો

અપ્રવાસીઓ અને થર્ડ જેન્ડરની પણ હશે મહત્વની ભૂમિકાઃ ૭૧૭૩૫ અપ્રવાસી મતદારોઃ ૩૯૬૮૩ થર્ડ જેન્ડર મતદારોઃ દેશના લગભગ ૫૬ કરોડ સોશ્યલ મીડિયા વોરિયર ચૂંટણીને સીધી અસર કરશે, આમા ૧૮થી ૧૯ વર્ષના ૧.૫૦ કરોડ મતદારો મહત્વના કુલ મતદારો ૮૯.૮૭ કરોડઃ ૪૬,૪૭,૨૦,૬૩૫ પુરૂષોઃ ૪૩,૧૩,૧૬,૫૮૯ મહિલાઓ દેશમાં ૩૦ કરોડ ફેસબુક યુઝર્સઃ ૨૦ કરોડ વ્હોટસએપ સાથે જોડાયેલાઃ ટ્વીટર ઉપર ૩૧ કરોડ લોકો છે

નવી દિલ્હી, તા. ૨૦ :. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલી ચૂંટણી હશે જેમા સોશ્યલ મીડીયા, એનઆરઆઈ અને કિન્નરો મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. દેશના ૫૬ કરોડ સોશ્યલ મીડીયા યુઝર સીધા ચૂંટણીને પ્રભાવિત કરશે. આમાં ૧૮ થી ૧૯ વર્ષના ૧.૫ કરોડ મતદારો સૌથી મહત્વપૂર્ણ છે. સોશ્યલ મીડીયા પર સક્રિય આ મતદારોનો એવો સમૂહ છે જે એકબીજાને પોતાના વિચારોથી પ્રભાવિત કરશે.

સોશ્યલ મીડીયાના વધારે પડતા ઉપયોગને લીધે ચૂંટણી પંચે આદર્શ આચારસંહિતામાં નવા નિયમો સામેલ કરવા પડયા છે. ચૂંટણીમાં સોશ્યલ મીડીયાના દુરૂપયોગને રોકવા માટે ઈન્ટરનેટ કંપનીઓ સાથે ચર્ચા કરવી પડી હતી. રાજકીય પક્ષો સોશ્યલ સાઈટસની મદદથી મોટાપાયે પ્રચાર કરે છે. ટ્વીટર હેન્ડલ પર હેંશટેગ 'મૈ ભી ચોકીદાર' આનો તાજો દાખલો છે.

પુલવામા હુમલા પછી રાજકીય પક્ષોના આરોપ-પ્રત્યારોપના વિડીયો પર તો પંચે દિશા નિર્દેશો બહાર પાડવા પડયા હતા. યુવા વર્ગના મતદારોની મોટી સંખ્યાને જોતા આ વખતે બધા પક્ષો તેમને ધ્યાનમાં રાખીને પ્રચારની રણનીતિ બનાવી રહ્યા છે. સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર પણ યુવાઓને રીઝવવા માટે રોજગાર, ટેકનીક અને વિકાસની વાતો વધારી વધારીને રજૂ કરાઈ રહી છે.

દેશમાં ડીસેમ્બર ૨૦૧૮ સુધી ૩૦ કરોડ લોકો ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા હતા. ૨૦ કરોડ લોકો વ્હોટસએપ સાથે જોડાયેલા છે. ટ્વીટરનો ઉપયોગ ૩૧ કરોડ લોકો કરે છે. દેશની બધી મહત્વની સૂચનાઓ અને નેતાઓના એકબીજા સાથેના સવાલ જવાબ આ માધ્યમોથી જ આવી રહ્યા છે. આમા લગભગ ૬૦ ટકાથી વધારે લોકો એકથી વધારે માધ્યમો સાથે જોડાયેલા છે, એટલે આ વખતની ચૂંટણીને ઘણી રીતે અલગ માનવામાં આવી રહી છે.

એનઆરઆઈ મતો ભલે મોટાપાયે હારજીતને પ્રભાવિત ન કરી શકે પણ તેમની હાજરી કોઈ પક્ષ માટે રાજકીય સમીકરણો બનાવવા - બગાડવાનું કામ કરશે. ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપા અને આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચારમાં તે આપણે જોયું હતું.

પંચના આંકડાઓ અનુસાર એનઆરઆઈ મતદારો ૭૧૭૩૫ છે. જેમા ૬૬૮૬૬ પુરૂષ, ૪૮૪૯ મહિલાઓ અને ૨૦ કિન્નરો સામેલ છે. કેરળમાં એનઆરઆઈ મતદારો સૌથી વધારે ૬૬૫૮૪ છે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશ ૨૫૧૧ અને તેલંગાણામાં તેમની સંખ્યા ૧૧૨૭ છે.

આખા દેશમાં થર્ડ જેન્ડર મતદારો ૩૯૬૮૩ છે. જેમાથી યુપીમાં સૌથી વધારે ૮૩૭૪, તામિલનાડુમાં ૫૪૭૨ અને ૩૭૬૧ આંધ્ર પ્રદેશમાં છે.

મહત્વપૂર્ણ આંકડાઓ

કુલ મતદારોઃ ૮૯.૮૭ કરોડ

આ ચૂંટણીમાં મતદારોમાં વધારોઃ ૮.૪ કરોડ

પુરૂષ મતદારોઃ ૪૬,૪૭,૨૦,૬૩૫

મહિલા મતદારોઃ ૪૩,૧૩,૧૬,૫૮૯

થર્ડ જેન્ડર મતદારોઃ ૩૯,૬૮૩

સર્વિસ વોટરઃ ૧૬.૫ લાખ

(10:27 am IST)