Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

કેજરીવાલની માફી સ્વીકારવા અરૂણ જેટલીએ કરેલો ઇન્કાર

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને મોટો ફટકો : સમાધાનના મૂડમાં જેટલી દેખાઈ રહ્યા નથી : અહેવાલ

નવીદિલ્હી, તા. ૨૦ : માનહાનિના અનેક કેસોનો સામનો કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ફટકો પડ્યો છે. કારણ કે, ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ કેજરીવાલની માફી સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. કેજરીવાલે માફીનામાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. નાણામંત્રી હાલમાં સમાધાનના મૂડમાં દેખાઈ રહ્યા નથી. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી આમ આદમી પાર્ટીના અન્ય નેતા આશુતોષ, રાઘવ ચઠ્ઠા અને સંજય સિંહ માફી નહીં માંગે ત્યાં સુધી કેજરીવાલની માફ સ્વીકારશે નહીં. જેટલીએ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પાંચ નેતાઓ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે, જેટલીના ડીડીસીએના શાસનકાળમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ અને તેમના પુત્ર અમિત સિબ્બલની પણ હાલમાં માફી માંગી લીધી છે. કેજરીવાલ અને નીતિન ગડકરીએ ગઇકાલે પટિયાલા હાઉસકોર્ટમાં સંયુક્ત અરજી કરી હતી અને બદનક્ષીના કેસને પરત ખેંચવાની મંજુરી માંગી હતી. દિલ્હીના મુખ્યમંત્રીએ ડ્રગ્સના કેસમાં તેમની સંડોવણીના આક્ષેપો કરવાના સંદર્ભમાં અકાળીદળના નેતા વિક્રમજીત મજેઠિયાની માફી માંગ્યાના એક દિવસ બાદ આ ઘટનાક્રમ આવ્યો હતો. કેજરીવાલે ગડકરીને પત્ર લખીને વાંધાજનક નિવેદન કરવા બદલ માફી માંગી હતી. દિલ્હીના મુખ્યમંત્રીએ કપિલ સિબ્બલની પણ માફી માંગી લીધી હતી. ૨૦૧૪માં દિલ્હીના મુખ્યમંત્રીએ ગડકરી સામે બદનક્ષીપૂર્વકના આક્ષેપો કર્યા હતા ત્યારબાદ ભાજપના નેતાએ તેમની સામે ક્રિમિનલ બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદથી કેજરીવાલ મુશ્કેલીમાં મુકાયા હતા. કાયદાકીય મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા.

(7:54 pm IST)