Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

લાખો ખેડૂતો માટે કપાસનો કરોડોનો વીમો તૈયાર

સરકારે ખૂબ રાહ જોવડાવી, હવે આતુરતાનો અંતઃ વહીવટી પ્રક્રિયા પૂરીઃ બે-ચાર દિવસમાં જ જાહેરાત

રાજકોટ, તા., ર૦: ગુજરાતના ખેડુતો જેની આતુરતાપુર્વક રાહ જોઇ રહયા છે તે કપાસનો પાક વીમો હવે હાથવેતમાં છે. રાજય સરકાર, કેન્દ્ર સરકાર અને વીમા કંપનીએ લગભગ બધી પ્રક્રિયા પુરી કરી નાખ્યાના વાવડ છે. કોઇ અણધાર્યો મુદ્દો ઉભો ન થાય તો આ અઠવાડીયામાં જ કપાસના પાક વીમાની જાહેરાત થઇ જાય તેવા એંધાણ છે. ધારાસભાની ચૂંટણી પહેલા પાક વીમો મળી જવાની ધરતીપુત્રોને અપેક્ષા હતી. પરંતુ ઘણા વિલંબ બાદ હવે વીમા બાબતની આતુરતા અંત તરફ છે.

 

નવી પ્રધાનમંત્રી વીમા યોજના અમલમાં આવ્યા બાદ કપાસનો પાક વીમો પ્રથમ વખત ર૦૧૬-૧૭ના વર્ષનો આવી રહયો છે. ૪૦ ટકા ક્રોપ કટીંગના આધારે તેમજ ૩૦ ટકા વરસાદના આધારે વીમો નક્કી થયાનું બીનસતાવાર રીતે જાણવા મળે છે. વીમાના પ્રમાણ બાબતે સતાવાર વિગતો બહાર આવી નથી. વીમાનો લાભાર્થી ખેડુત વર્ગ લાખોની સંખ્યામાં થાય છે. વીમાની રકમ કરોડોમાં થશે.

કપાસના પાક વીમાનો નિર્ણય જાહેર થયા બાદ ખેડુતોના ખાતામાં જમા થઇ જશે. કયા ખેડુતને કેટલો પાક વીમો મળે છે? તે ટુંક સમયમાં જ સ્પષ્ટ થઇ જશે.(૪.૩)

(11:30 am IST)