Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

રશિયા સાથે યુરોપ અને નાટો દેશો ટકરાવ ટાળી વાતચીત કરવા ઇચ્છુક

રશિયન મિસાઇલોની રેન્જમાં પોલેન્ડ, લિથુઆનિયા, લાટિવિયા અને એસ્ટોનિયા જેવા નાટો દેશો: રશિયાની હિલચાલથી નાટો દેશો અને યુરોપ ચિંતામાં

 

રશિયા સાથે યુરોપ અને નાટો દેશો સંઘર્ષ ટાળીને વાતચીતનો માર્ગ અપનાવવા તૈયાર છે તાજેતરમાં એવા સમાચાર પણ હતા કે બાલ્ટિક સમુદ્રમાં કાલિનિનગ્રાદમાં રશિયા પરમાણુક્ષમતા ધરાવતી મિસાઇલો તૈનાત કરી રહ્યું છે.કાલિનિનગ્રાદ બાલ્ટિક સમુદ્ર પાસેનો એવો રશિયન પ્રદેશ છે જેની સરહદો પોલેન્ડ અને લિથુઆનિયા સાથે જોડાયેલી છે. મિસાઇલોની રેન્જમાં પોલેન્ડ, લિથુઆનિયા, લાટિવિયા અને એસ્ટોનિયા જેવા નાટો દેશો આવી જાય છે. સ્પષ્ટ વાત છે કે રશિયાની આવી હિલચાલથી નાટો દેશો અને યુરોપ ચિંતામાં આવી જાય. પુતિનની વધી રહેલી દખલગીરી સામે યુરોપે પણ સલામતિના પગલા લેવાની ફરજ પડી છે.

  અમેરિકી પ્રમુખ ટ્રમ્પના નાટો અને યુરોપી દેશો પ્રત્યેના ઢીલા વલણથી પરેશાન યુરોપી દેશોએ પેસ્કો નામનું સૈન્ય સંગઠન બનાવ્યું છે. જોકે યુરોપ અને નાટો દેશો રશિયા સાથે કોઇ પ્રકારનો ટકરાવ ટાળીને વાતચીતનો રસ્તો અપનાવવા ઇચ્છે છે. પરંતુ શક્તિશાળી અને બેફામ બનેલા પુતિન હવે તેમને ગાંઠે એવું લાગતું નથી. છેલ્લા થોડા વર્ષોમાં નાટો દેશોએ રશિયા ઉપર ઘણાં પ્રતિબંધો મૂક્યાં છે અને પૂર્વ યુરોપની લશ્કરી હિલચાલ પણ વધારી દીધી છે. જેના કારણે નાટો દેશો અને રશિયા વચ્ચે શાંતિથી કોઇ વાતચીત થાય તેવું હાલ તો શક્ય જણાતું નથી.

 છેલ્લા થોડા સમયથી નાટો સૈન્ય સંગઠને યુરોપમાં રશિયાની પશ્ચિમી સરહ સુધી પહોંચ વધારી દીધી છે. 1990માં વિભાજિત જર્મનીના એકીકરણ વખતે અમેરિકાએ વચન આપ્યું હતું કે તે પૂર્વ યુરોપ તરફ નાટોનો વ્યાપ નહીં વધારે પરંતુ પછી અમેરિકાએ ક્ષેત્રમાં નાટોનો વ્યાપ પણ વધાર્યો છે એટલું નહીં રશિયન સરહદો ઉપર એન્ટિમિસાઇલ સિસ્ટમ પણ લાગુ કરી છે જે કહેવા માટે તો ઇરાની કે ઉત્તર કોરિયન મિસાઇલોને તોડી પાડવા માટે છે. પરંતુ હકીકતમાં તો તે રશિયાને ઘેરવા માટે તૈનાત કરવામાં આવી છે. રશિયાની સરહદ પાસે ગોઠવાયેલી એન્ટિમિસાઇલ સિસ્ટમના કારણે રશિયાએ દાગેલી મિસાઇલને લક્ષ્ય સુધી પહોંચ્યા પહેલાં નષ્ટ કરી શકાય છે.

આ એન્ટિ મિસાઇલ સિસ્ટમ એ દેશોમાં તૈનાત કરવામાં આવી છે જે ભૂતપૂર્વ સોવિયેત સંઘનું વિસર્જન થયા અગાઉ વોર્સો સંધિ સંગઠનના સભ્ય હતાં અથવા તો સોવિયેત સંઘના પોતાના જ ગણરાજ્ય હતાં

(12:00 am IST)