Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

મ્યાનમારમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો ગોળીબાર : બે લોકોના મોત : 22 લોકોને ઇજા

મંડલાય ખાતે દેખાવકારોને વિખેરી નાખવા પોલીસે અશ્રુંવાયુ, રબર બુલેટ અને વોટર કેનનનો આશરો લીધો

મ્યાનમારમાં બળવો કરતા પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ સુરક્ષા દળોએ કડક કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધુ છે. શનિવારે મ્યાંમારના બીજા ક્રમના શહેર મંડલાય ખાતે વિરોધ દેખાવો કરી રહેલા લોકોને વિખેરવા પોલીસે ગોળીબાર કરતાં બે વ્યક્તિના મૃત્યુ થયા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર આ અહીં પોલીસ કાર્યવાહીમાં 22 લોકોને ઇજા પહોંચી હતી, તો બે મૃત્યુ નોંધાયા હતા. સૈન્ય તખ્તાપલટાના વિરોધમાં અને અટકમાં લીધેલા નેતાઓની મુક્તિની માગણી સાથે વિવિધ શહેરોમાં જોરદાર દેખાવો થઇ રહ્યા છે. લઘુમતી સમુદાય, કવિઓ, કલાકારો અને પરિહવન કામદારો પણ દેખાવોમાં જોડાયા હતા. મંડલાય ખાતે દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કરતાં પોલીસે તેમને વિખેરી નાખવા અશ્રુંવાયુ, રબર બુલેટ અને વોટર કેનનનો આશરો લીધા પછી ગોળીબારનો આશરો લીધો હતો.

એક વ્યક્તિને માથે ગોળી વાગતાં તેનું અવસાન થયું હતું. સ્વયંસેવકો અને તબીબોએ ગોળીબારમાં બે વ્યક્તિના મૃત્યુ થયા હોવાના અહેવાલોને સમર્થન આપ્યું હતું.

ગયા સપ્તાહે પોલીસ ગોળીબારમાં ઘાયલ થયેલી યુવતીનું શુક્રવારે મૃત્યુ થઇ ગયું. દેશમાં સૈન્ય તખ્તા સામે ચાલી રહેલા દેખાવોમાં આ પ્રથમ મૃત્યુ નોંધાયું હતું. આ ઘટનાને કારણે માત્ર દેખાવકારો જ ગુસ્સામાં નથી પરંતુ વિશ્વભરના દેશો સૈન્ય તાકાતનો ઉપયોગ બંધ કરવા મ્યાંમારને અપીલ કરી રહ્યા છે. 1 ફેબ્રુઆરીના રોજ મ્યાંમારમી સેનાએ સંસંદનો કબજો લેતાં દેશના નેતાઓની અટકાયત કરી હતી. તેમના વિરૂદ્ધ દેશમાં સતત હિંસક દેખાવો થઇ રહ્યા છે.

મ્યાંમારમાં નાગા લઘુમતીના યુવાન નેતા કે જંગે શનિવારે યાંગોંગ શહેરમાં લઘુમતી સમુદાયના વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. દેખાવકારો લોકશાહી અને સમવાયી વ્યવસ્થાની માગણી કરી રહ્યા હતા. નાગા નેતાએ જણાવ્યું હતું કે સરમુખત્યારના નેતૃત્વમાં મ્યાંમાર સમવાયી દેશ ના બની શકે. સૈન્ય શાસન મંજૂર નથી. દેખાવો શાંતિપુર્ણ રહ્યા હતા. પોલીસે ટોળાને વિખેરવા રબર બુલેટ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.

(12:10 am IST)