Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

મંત્રાલયો અને વિભાગોના તમામ અધિકારીઓ માટે ઇલેકટ્રીક વાહનોનો ઉપયોગ કરવો ફરજીયાતઃ કેન્‍દ્રીય માર્ગ અને પરિવહન રાજ્‍યમંત્રી નીતિન ગડકરીનું સુચન

નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે મંત્રાલયો અને વિભાગોના તમામ અધિકારીઓ માટે ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગની ફરજિયાત કરવાનું સૂચન કર્યું છે. ગડકરીએ સરકારને રાંધણ ગેસ પર સબસિડી આપવાની જગ્યાએ વીજ આધારિત રસોઈ બનાવી શકે તેવા સાધનો ખરીદવામાં સહાય કરવાની ભલામણ કરી છે.

નીતિન ગડકરીએ ગો ઈલેક્ટ્રિક અભિયાન શરૂ કરવાના અવસરે આયોજિત કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે, આખરે આપણે વીજળી થકી ખોરાક રાંધી શકે, તેવા સાધનો ખરીદવા માટે સબસિડી કેમ નથી આપતા? આપણે રાંધણ ગેસ પર સબસિડી પહેલાથી જ આપી રહ્યાં છીએ. વીજળી થકી ખોરાક રાંધવાની પ્રક્રિયા સારી છે અને તેનાથી ગેસ માટે આયાત પર નિર્ભરતા મહદઅંશે ઓછી થઈ શકશે.

ઈલેક્ટ્રેક વાહનો ફરજિયાત કરવા જોઈએ

ગડકરીએ સૂચન કર્યું છે કે, તમામ સરકારી અધિકારીઓ માટે ઈલેક્ટ્રેક વાહનો ફરજિયાત કરવા જોઈએ. તેમણે વીજ મંત્રી આરકે સિંહને પોતાના વિભાગમાં કામ કરતા અધિકારીઓ માટે ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને ફરજિયાત કરવાનો આગ્રહ કર્યો છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, તે પોતાના મંત્રાલય હેઠળ આવતા વિભાગોમાં આ પગલું ભરશે. દિલ્હીમાં 10,000 ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગથી દર મહિને 30 કરોડ રૂપિયાની બચત થઈ શકે છે. આ તકે આરકે સિંહે જાહેરાત કરી હતી કે, દિલ્હી-આગ્રા અને દિલ્હી-જયપુર વચ્ચે ફ્યૂઅલ સેલ બસ સેવા શરૂ કરવામાં આવશે.

દર મહિને 30 કરોડ રૂપિયાની બચત

નીતિન ગડકરીએ જણાવ્યું કે, એક ઈલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરવાથી ઈંધણના ખર્ચમાં પ્રતિ મહિને 30 હજાર રૂપિયાની બચત થાય છે. આમ 10 હજાર ઈલેક્ટ્રિક વાહનો હોય, તો 30 કરોડ રૂપિયાની બચત થઈ શકે છે. મારુ સૂચન છે કે, દેશમાં વૈકલ્પિક ઈંધણ અપનાવવાનો સમય આવી ગયો છે. હું ભારતમાં વીજળીની ઉપલબ્ધતા સાથે ઈંધણ તરીકે તેના ઉપયોગ પર ભાર મૂકી રહ્યો છુ અને હવે 81 ટકા લિથિયમ ઑયન બેટરી ભારતમાં બની રહી છે.

(5:02 pm IST)