Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

જીયોના ગ્રાહક તૂટયા : એરટેલ - વીને ફાયદો : બીએસએનએલને પણ થયો લાભ : પંજાબ - હરિયાણામાં મોટી અસર

રિલાયન્સને પડયો ફટકો : TRAIના રિપોર્ટમાં દેખાઇ ખેડૂત આંદોલનની અસર

પંજાબના ગ્રાહકોની સંખ્યા ઘટી

નવી દિલ્હી તા. ૨૦ : નવા કૃષિ કાયદાને લઈને ખેડૂતો એક લાંબા સમયથી મોદી સરકારનો વિરોધ કરી રહયા છે, જો કે લાગી રહ્યું છે કે આ વિરોધનો માર સરકારની જગ્યાએ રિલાયંસ જેવી કંપનીઓને પડી રહ્યો છે.

મહત્વનું છે કે એક માહિતી પ્રમાણે ખેડૂતોના વિરોધનું જયાં સૌથી વધુ પ્રમાણ છે તેવા હરિયાણા અને પંજાબ રાજયોમાં રિલાયંસ જિયોના ગ્રાહકોની સંખ્યામાં લાખો યુઝર્સનો ઘટાડો નોંધાયો છે, જેનો ફાયદો તેની હરીફ કંપની એવી એરટેલ અને વી ને મળી રહ્યો છે.

ટ્રાઇના આંકડાઓ અનુસાર હરિયાણામાં જિયોના ગ્રાહકોની સંખ્યા નવેમ્બરમાં ૯૪.૪૮ લાખ હતી, જે ડિસેમ્બરમાં ઘટીને ૮૯.૦૭ લાખ રહી ગઈ હતી, તેમ જ એરટેલની સંખ્યા નવેમ્બરમાં ૪૯.૫૬ લાખ હતા જે ડિસેમ્બરમાં ૫૦.૭૯ લાખ થઈ ગઈ હતી, જયારે કે સમાન સમયમાં વીના ગ્રાહકોની સંખ્યા ૮૦.૨૩ લાખ હતી જે વધીને ૮૦.૪૨ લાખ થઈ ગઈ છે.

જિયોના ગ્રાહકોની સંખ્યા પંજાબમાં પણ ઘટી છે અને નવેમ્બરમાં ૧.૪૦ કરોડ ગ્રાહકોની સંખ્યમાંથી ઘટીને ડિસેમ્બરમાં ૧.૨૪ કરોડ રહી ગઈ, જયારે કે એરટેલના ગ્રાહકોની સંખ્યા આ જ સમયમાં ૧.૦૫ કરોડથી વધીને ૧.૦૬ કરોડ થઈ ગઈ અને વીના ગ્રાહકોની સંખ્યા ૮૬.૪૨ લાખ હતી જે ડિસેમ્બરમાં વધીને ૮૭.૧૧ લાખના આંકડે પહોંચી છે.

જો કે સરકારની સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, પણ જિયોની સામેનો આક્રોશ એટલો વ્યાપક હતો, કે અહીં સરકારી કંપની બીએસએનએલના ગ્રાહકો પણ વધ્યા છે, માત્ર જિયો જ એકમાત્ર એવી કંપની બની ગઈ છે કે જેના ગ્રાહકો ઘટયા છે. જો કે આ સિવાય જો આખા દેશના ડેટા ઉપર નજર કરીએ તો જિયોના ગ્રાહકોની સંખ્યા આ બે રાજયો સિવાય બધે વધ્યા છે, વી એકમાત્ર એવી કંપની છે કે જેના યુઝર્સ આ બે રાજયો સિવાય બધે ઘટયા છે અને એરટેલ એકમાત્ર એવી કંપની છે કે જેના ગ્રાહકો દરેક સર્કલમાં વધ્યા છે.

(11:30 am IST)