Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

શબનમે ફાંસીની સજા ટાળવા રાજ્યપાલને માફી પત્ર મોકલ્યો

૨૦૦૮માં પરિવારના સાત સભ્યોની હત્યા કરી હતી : શબનમ-સલીમની સજા સુપ્રીમ કોર્ટે પણ યથાવત રાખી હતી, બધી આશા પૂર્ણ થતાશબનમના છેલ્લી ઘડીના પ્રયાસ

મથુરા, તા. ૧૯ : યુપીના અમરોહામાં પોતાના પરિવારની ઘાતકી હત્યા કરનારી શબનમે ફરી દયાની અરજ કરી છે. શબનમે પોતાની ફાંસીની સજા ટાળવા માટે પ્રાર્થના પત્ર મોકલ્યો છે. જેલ વહીવટી તંત્ર દ્વારા રાજ્યના રાજ્યપાલ આનંદીબેન પટેલને પત્ર મોકલવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ૨૦૦૮ના હત્યાકાંડ માટે શબનમ અને સલીમની સજા સુપ્રીમ કોર્ટે પણ યથાવત રાખી હતી. રાષ્ટ્રપતિએ પણ બન્નેની દયા અરજી ફગાવી દીધી હતી. તમામ આશાઓ પૂર્ણ થતી દેખાતા હવે શબનમ દ્વારા ફાંસીથી બચવા માટેના પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે. અમરોહા જિલ્લાના બાબનખેડી ગામમાં ૧૪-૧૫ એપ્રિલ ૨૦૦૮ની રાત્રે શબનમ અને તેના પ્રેમીએ મળીને પોતાના પરિવારના ૭ સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. શબનમ જુલાઈ ૨૦૧૯થી રામપુર જેલમાં બંધ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રાષ્ટ્રપતિએ શબનમ અને સલીમની દયા અરજી ફગાવી દીધી છે. રામપુર જેલ વહીવટી તંત્ર હવે શબનમના ડેથ વોરન્ટ માટે રાહ જોઈ રહ્યું છે.

એક તરફ જેલ દ્વારા શબનમ અને તેના પ્રેમીને ફાંસીના માચડે લટકાવવા માટે ડેથ વોરન્ટની રાહ જોવાઈ રહી છે. તો બીજી તરફ શબનમ દ્વારા રાજ્યપાલ આનંદીબેન પટેલને પ્રાર્થના પત્ર મોકલવામાં આવ્યો છે. શબનમ દ્વારા મોકલાયેલા આ પત્રમાં ફાંસીથી માફી સંબંધિત રજૂઆત કરવામાં આવી છે. અમરોહાની જિલ્લા કોર્ટે ૧૫ જુલાઈ ૨૦૧૦એ શબનમ કેસને રેરેસ્ટ ઓફ રેર માન્યો હતો અને શબનમને ફાંસીની સજા સંભળાવી હતી. અમરોહ જિલ્લા કોર્ટેના નિર્ણયને શબનમ દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટે પણ જિલ્લા જજના આદેશને યથાવત રાખ્યો હતો. ૪ મે ૨૦૧૩એ હાઈકોર્ટે શબનમની અપીલ ફગાવી દીધી હતી. શબનમ યુપીના અમરોહા જિલ્લાના બાવનખેડી ગામની રહેવાસી છે. તેણે પ્રેમી સલીમ સાથે મળીને માતા-પિતા સહિત ૭ લાકોને કુહાડીથી મારી નાખ્યા હતા. આ ઘટના ૧૪ અને ૧૫ એપ્રિલ ૨૦૦૮ની રાત્રે બની હતી.

(12:00 am IST)