Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

મોરબીમાં બંદૂકની અણીએ બેંકમાં છ લાખની લૂંટ કરનાર ચાર લૂંટારુઓ હળવદના ચુપણીથી ગણતરીની કલાકોમાં ઝડપાયા

લૂંટારૂઓ હિન્દી અને અંગ્રેજી ભાષામાં વાત કરતા હતા :લૂંટારૃઓએ બેંકમાં હાજર ગ્રાહકોના 4 મોબાઈલ પણ લૂંટયા :લૂંટની એક કલાક પૂર્વે જ 20 લાખથી વધુની રોકડ બેંકે રાજકોટ ટ્રાન્સફર કરી દીધી

મોરબી : મોરબીમાં બેંકમાંથી બંદૂકની અણીએ 6 લાખની લૂંટ ચલાવનાર ગેંગના ચાર લૂંટારૂઓને સ્વીફ્ટ કાર સાથે પોલીસે હળવદ તાલુકાના ચુપણીના જંગલમાંથી દબોચી લીધા છે

   મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલી બેંકમાં બંદૂકની અણીએ પાંચ લૂંટારૂઓએ રૂ. 6 લાખની લૂંટ ચલાવી હતી.સાથે બેંકમાં રહેલા ગ્રાહકોની વસ્તુઓ પણ લૂંટી લીધી હતી. બનાવના પગલે મોરબી જિલ્લા પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી હતી.અને ગણતરીની કલાકોમાં જ ચાર લૂંટારૂઓને હળવદ તાલુકાના ચુપણીના જંગલ વિસ્તારમાંથી પકડી પાડેલ છે. સાથે મુદ્દામાલ પણ પોલીસે કબજે કરેલ છે. જો કે આ આરોપીઓ પાસે બંદૂક સહિતના હથિયારો હતા.

   લૂંટારૂઓ પાંચ નહિ છ હતા. તેઓ હિન્દી અને અંગ્રેજીમાં વાત કરતા હતા. તેઓએ બેંક લૂંટતી વેળાએ ચાર ગ્રાહકોના મોબાઈલ ફોન પણ લૂંટી લીધા હતા. પહેલા ત્રણ લૂંટારૂઓ ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા. આ ત્રણેય લૂંટારૂઓએ સ્લીપ પણ ભરી હતી. બાદમાં અન્ય લૂંટારૂઓ આવ્યા હતા. અને તમામે મળીને બંદૂકના જોરે બેંકને લૂંટી હતી. પોલીસે જણાવ્યું કે બેંકમાં લૂંટ ચલાવીને નાસી જનાર છ શખ્સો હતા.આ છ શખ્સોએ સિક્યુરિટી મેનને ઢીકાપાટુનો માર મારી તેની પાસેથી બંદૂક પડાવીને ફરાર થઈ ગયા હતા

   બપોરે થયેલી લૂંટની એક કલાક પૂર્વે જ બેંક દ્વારા અન્ય બ્રાન્ચમાં રૂ. 20 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ ટ્રાન્સફર બાદ લૂંટ થતા લૂંટારૂઓના હાથે માત્ર રૂ. 6 લાખ જ લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે.

   નિયમ મુજબ વધુ રોકડ એકઠી થાય એટલે જે તે બેંક અન્ય બ્રાન્ચને કે હેડ ઓફીસને રોકડ ટ્રાન્સફર કરી આપતી હોય છે. એવી જ રીતે બેંક ઓફ બરોડા અને દેના બેંકની સંયુક્ત બેંકમાં આજે 20થી 25 લાખ જેટલી રોકડ એકત્ર થઈ હતી. આ રોકડ રાજકોટ ખાતેની બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ ટ્રાન્સફરને એક કલાક બાદ જ બેંકમાં લૂંટ થઈ હતી. એટલે સદનસીબે મોટી રકમની લૂંટ થતા બચી હતી.

(10:42 pm IST)