Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

મંદી વચ્ચે ફિલ્મોની કમાણી ૨૭ ટકા સુધી વધી : રિપોર્ટ

વાર્ષિક રીતે કમાણીમાં ઉલ્લેખનિય વધારો થયો : એકબાજુ આર્થિક સંકટની વચ્ચે તમામ ઉદ્યોગો મુશ્કેલીમાં છે ત્યારે ફિલ્મની કમાણી વધી છે : કમાણી ૫૬૧૩ કરોડ

મુંબઈ, તા.૨૦  : આર્થિક મંદીના માહોલમાં ફિલ્મના બોક્સ ઓફિસની કમાણીમાં ૨૭ ટકા સુધીનો ઉલ્લેખનિય વધારો થયો છે જે તમામને આશ્ચર્યચકિત કરે છે. આર્થિક સંકટની સ્થિતિમાં પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો જંગી કમાણી કરી રહ્યા છે. બજારના નિષ્ણાતો માની રહ્યા છે કે એકબાજુ આર્થિક સંકટ વચ્ચે સામાન્ય લોકો મોંઘા શોખ કરી શકતા નથી. સસ્તા વિકલ્પો શોધવામાં આવી રહ્યા છે ત્યારે બોલિવુડ સાથે જોડાયેલા લોકોની આવકમાં ઉલ્લેખનિય વધારો થઈ રહ્યો છે. આર્થિક મંદીની સ્થિતિમાં બોલિવુડમાં જંગી આવક થઈ રહી છે. ફિલ્મોની કમાણીમાં વધારો થયો છે. આજ કારણ છે કે આર્થિક નરમીના વર્તમાન દોરમાં વર્ષ ૨૦૧૯ના સિનેમાઘરોના કારોબાર માટે સ્થિતિ ખૂબ સારી રહી છે.

        કેયર રેટિંગના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લિપિસ્ટીક ઇફેક્ટ તરીકે આને જોવામાં આવે છે. જેમાં મોંઘી સજાવટના અભાવને સસ્તા લિપિસ્ટીકથી ઢાકવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. સરકારી અંદાજમાં કહેવામાં આવ્યું છે કે જીડીપી વૃદ્ધિ દર નાણાકીય વર્ષ ૨૦૨૦માં ઘટીને પાંચ ટકા રહી ગયો છે. સ્થાનિક રેટીંગ એજન્સીએ કહ્યું છે કે બોક્સ ઓફિસ કલેકશન વર્ષ ૨૦૧૯માં ૨૭ ટકા વધીને ૫૬૧૩ કરોડ સુધી પહોંચી ગયું છે. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં દર વર્ષે તેમાં ૧૩. ટકાના દરથી વાર્ષિક વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં આર્થિક વિકાસ દરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે નાના ખર્ચાઓના દોરમાં પ્રકારની સ્થિતિ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ સારી ગણવામાં આવે છે. આર્થિક મંદીને દુર કરવા માટે હાલના બજેટમાં મોદી સરકાર દ્વારા શ્રેણીબદ્ધ પગલા જાહેર કરવામાં આવ્યા હતા. પહેલી ફેબ્રુઆરીના દિવસે રજુ કરાયેલા બજેટમાં વિવિધ ક્ષેત્રોને જંગી રાહત આપીને

          માંગ ને વધારવાના પ્રયાસો થયા હતા. આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રકચર, કન્ઝ્યુમર ડ્યુરેબલ, મેન્યુફેકચરીંગ અને ટેક્સટાઈલ સહિતના તમામ ક્ષેત્રોને પ્રોત્સાહન આપવાની દિશામાં નવી પહેલ કરવામાં આવી હતી. ત્યારબાદથી કેટલાક આંકડા આશાસ્પદ આવી રહ્યા છે. હવે બજારમાં ફરી એકવાર રિકવરી શરૂ થઈ છે. મળેલી માહિતી મુજબ હવે આગામી દિવસોમાં જે આંકડા આવશે તે સારા રહેશે. ૧૧ વર્ષના ગાળા બાદ આર્થિક મંદીની સ્થિતિમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેજી તમામને આશ્ચર્યચકિત કરે છે. એકબાજુ તમામ ઉદ્યોગો મંદીનો સામનો કરી રહ્યા છે ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ફિલ્મોની કમાણી ૨૭ ટકા સુધી ઉલ્લેખનિય રીતે વધી ગઈ છે.

(8:02 pm IST)