Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

કાશ્મીરમાં પંચાયતી પેટા ચુંટણી સ્થગિત થવાનું કારણ સુરક્ષા કે વિપક્ષી દબાણ?

જમ્મુ તા. ર૦: કહેવા માટે તો જમ્મુ કાશ્મીરમાં પંચાયતોના ૧ર૦૦૦થી વધારે પદો માટે થનારી પેટા ચુંટણીઓને સુરક્ષાના કારણોથી સ્થગિત કરવામાં આવી છે. પણ સત્ય એ છે કે આને વિપક્ષોના દબાણના કારણે ટાળવામાં આવી છે. ખરેખર તો પ્રશાસન આ પેટા ચુંટણીઓ પાર્ટી લાઇન પર કરાવવાની જાહેરાત કરીને ફસાઇ ગયું હતું અને ભાજપા સિવાયનો કોઇ પક્ષ કોઇપણ શરત વગર તેમાં ભાગ લેવા રાજી નહોતો. એ બધાની એક જ શરત હતી કે પહેલા તેમના નેતાઓને છોડી દેવામાં આવે અને સાથેજ તે નેતાઓની અવર જવર પર કોઇ પ્રતિબંધ ન મુકવાનું લેખિત આશ્વાસન આપવામાં આવે.

સુત્રોનો દાવો છે કે પંચાયતી પેટા ચુંટણીઓ સ્થગિત કરવાનો નિર્ણય વિપક્ષી દળોના સરકાર પર દબાણના કારણે લેવાયો છે. પંચાયત પેટા ચુંટણીઓની જાહેરાત પછી વિપક્ષોએ સરકાર પર હુમલાઓ ચાલુ કર્યા હતા. નેશનલ કોન્ફરન્સના નેતા રતનલાલ ગુપ્તાએ મુખ્ય ચુંટણી અધિકારીને પત્ર લખીને કહ્યું કે અમે ચુંટણી માટે તૈયાર છીએ પણ પહેલા અમારા નેતાઓને છોડી મુકવામાં આવે. તેમણે કહ્યું હતું કે જયારે નેતાઓજ નજર બંધ હોય ત્યારે ઉમેદવારો કેવી રીતે નકકી કરવા જયારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જીએ મીરે પણ કહ્યું હતું કે જયારે અમારા નેતાઓ પર પ્રતિબંધો હોય ત્યારે ચુંટણીઓ કેવી રીતે થઇ શકે.

જમ્મુ કાશ્મીરમાં પંચાયતી પેટાચુંટણીઓ અંગે મંગળવારે સવારે થયેલી સર્વદળીય મીટીંગ પછી રાત્રે આ ચુંટણીઓ સ્થગિત કરી દેવાઇ હતી. સુરક્ષા કારણોનો હવાલો આપતા જમ્મુ કાશ્મીરના મુખ્ય ચુંટણી અધિકારી શૈલેન્દ્રકુમાર તરફથી બહાર પાડવામાં આવેલ બધી અધિસૂચનાઓ પાછી ખેંચી લેવાઇ છે.

(3:24 pm IST)