Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

હવે રાજ્યસભામાં હંગામો મચાવવો ભારે પડશે : વેલમાં આવનાર સાંસદનો છીનવાઈ શકે છે વોટિંગ અધિકાર

124 નવા નિયમો લાગુ કરવાની સાથે 77 નિયમોમાં સુધારાની દરખાસ્ત

નવી દિલ્હી : રાજ્યસભામાં હંગામો મચાવવો હવે માનનીય માટે મોંઘા સાબિત થઈ શકે છે. ઉપલા ગૃહની સમિતિએ આવી ભલામણો કરી છે, જેના અમલ પછી, હંગામો કરનારા સાંસદો પાસેથી બિલ ઉપર વોટિંગ કરવાનો અધિકાર છીનવાઈ શકે છે.

 સદનની જનરલ પર્પસ કમિટીએ કાર્યવાહીને સરળતાથી ચલાવવા માટે 124 નવા નિયમો લાગુ કરવાની સાથે 77 નિયમોમાં સુધારાની દરખાસ્ત કરી છે.જો નવા નિયમો અમલમાં આવે તો લોકસભાની જેમ વેલમાં આવીને હંગામો કરનારા સાંસદોને ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી શકે છે અને તેમને 5 દિવસ માટે ગૃહની કાર્યવાહીથી બહાર રહેવું પડી શકે છે. હવે આ સમિતિ નિયમો સાથે જોડાયેલી સમિતિને તેની દરખાસ્તો રજૂ કરશે, ત્યારબાદ તેનો અમલ કરવા અંગે વિચારણા કરવામાં આવશે. નવા નિયમોમાં હંગામો કરનારા સાંસદ પાસેથી મતદાનના અધિકાર છીનવી લેવાનો અને તેને ગેરહાજર કેટેગરીમાં લાગુ કરવાની દરખાસ્ત શામેલ છે.

રાજ્યસભામાં ગતિરોધ એક મોટી સમસ્યા છે અને સંખ્યાબળમાં લોકસભાની સરખામણીએ વધારે મજબૂત વિપક્ષી સાંસદો ઘણીવાર ઉપલા ગૃહમાં હોબાળો મચાવતા જોવા મળે છે. સ્પીકર વેંકૈયા નાયડુએ છેલ્લા ઘણા સત્રોમાં ગડબડીને સમાપ્ત કરવા માટે અને ગૃહને સરળતાથી ચલાવવામાં મદદ કરવા માટે સાંસદોને અપીલ કરી છે, પરંતુ સીએએ જેવા મુદ્દાઓ પર, તે અપીલ દેખાઈ ન હતી અને ગૃહમાં ભારે હંગામો થયો હતો.

સદનનાં નિયમોની વિસ્તૃત સમીક્ષા

સ્પીકર વેંકૈયા નાયડૂએ બુધવારે જનરલ પર્પઝ કમિટીની અધ્યક્ષતા કરી હતી. જેમાં 23 દળોનાં નેતાને સામેલ કરવામાં આવ્યા હતા. સ્પીકર તરફથી મે 2018માં જ નિયમોની સમીક્ષા માટે એક સમિતીની રચના કરવામાં આવી હતી. જેમાં રાજ્યસભાનાં પૂર્વ મહાસચિવ વિવેક અગ્નિહોત્રી અને કાયદા મંત્રાલયનાં પૂર્વ એડિશનલ સેક્રેટરી દિનેશ ભારદ્વાજ સામેલ હતા. આ કમિટીએ લગભગ 51 બેઠકો બાદ નવા નિયમોનો પ્રસ્તાવ આપ્યો છે. કમિટીએ હાલનાં નિયમોની સમીક્ષા કરી અને તેને અમલીકરણ પર વિચાર કર્યો, ત્યારે જઈને કમિટી તરફથી આ ભલામણો સામે આવી છે. ત્યારબાદ સભાપતતિ અને ઉપસભાપતિએ રાજકીય દળોની સામે આ સુચન રાખ્યુ છે, જેને બધાની સહમતિ બાદ લાગૂ કરી દેવામાં આવી શકે છે

(1:51 pm IST)