Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

બિહારના ગયામાં માઓવાદીઓએ શાળાનું બિલ્ડિંગ ફૂંકી માર્યું

સીએએ વિરોધી પત્રિકા ફેંકીને લોકોને : વિરોધ કરવા એક થવા માટે આહ્વાન કર્ર્યું

ગયા,તા.૨૦: બિહારના ગયા જિલ્લામાં શકમંદ માઓવાદીએ એક સ્કૂલનું મકાન વિસ્ફોટ કરીને ઉડાવી દીધું હતું અને સીએએ, એનપીઆર, એનઆરસી તથા ભાજપ સરકાર વિરોધી ચોપાનિયા મૂકી ગયાં હોવાની વાત જાણવા મળી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર બાંકે બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઇએ સ્કૂલના ખાલી મકાનને મંગળવારે રાતે ઉડાવી દીધું હતું. લોકસભાની ચૂંટણી અગાઉ નકસલવાદી હુમલો થયા બાદ ગયા વર્ષની ૧૮મી માર્ચથી સીઆરપીએફની કામચલાઉ છાવણી ત્યાં બનાવાઇ હતી અને ૧૫૦થી વધુ જવાનો ત્યાં રહેતા હતા. તાજેતરમાં ૦૮મી ફેબ્રુઆરીએ તેઓ ગાઢ જંગલમાં આવેલા એમની છાવણીમાં પાછા ફર્યા હતા.

ઘટનાસ્થળેથી હાથેથી લખેલા કાગળો મળી આવ્યા હતા અને એના પર શ્નબ્રાહ્મણવાદી, હિંદુત્વવાદી ફાસીસ્ટ ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર અને સુરક્ષા દળ સ્કૂલમાં કેવી રીતે રહી શકે એવા સવાલો કરાયા હતા. આ સિવાય કેટલાક ચોપાનિયામાં લોકોને સીએએ, એનપીઆર, એનઆરસી સામે એક થવાની અપીલ કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે માઓવાદીઓ સીએએ વિરોધી આંદોલનને ટેકો આપી રહ્યા હોવાની વાત અમે જાણીએ છીએ. ગયા રવિવારે ગયા ટાઉનમાં નકસલવાદીઓ સાથે સાંઠગાંઠ ધરાવતી નવ મહિલાને આંતરી હતી, તેઓ શાંતિબાગમાં ચાલી રહેલા સીએએ વિરોધી આંદોલનમાં જોડાવા માટે જઇ રહી હતી. ઊલટતપાસ દરમિયાન એક મહિલાએ પોતે પ્રતિબંધિત સીપીઆઇ(એમ)ની સક્રિય સભ્ય હોવાની વાત સ્વીકારી હતી. અન્ય મહિલાએ એમ જણાવ્યું હતું કે એમને આંદોલનમાં જોડાવા માટે રૂ.૩૦૦થી ૪૦૦ આપવામાં આવ્યા હતા. વિસ્ફોટ કરનારને પકડવા માટે સીઆરપીએફ, કોબરા કમાન્ડો અને બિહાર પોલીસના એસટીએફ વિભાગની ટીમે મળીને તપાસ અભિયાન શરૂ કર્યું છે.

(11:37 am IST)