Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

મુંબઈની ચાર ફાઈવસ્ટાર હોટલને બોમ્બથી ઉડાડી દેવાની લશ્કર-એ -તૈયબાએ આપી ઈમેલથી ધમકી

24 કલાકની અંદર સવા સાત કરોડ રૂપિયાની રકમ બિટકોઇનમાં માંગી

મુંબઈ : દેશની આર્થિક રાજધાની મુંબઈની સેવન સ્ટાર અને ફાઇવ સ્ટાર હોટલને બોમ્બથી ઉડાડી દેવા ધમકી આપી છે મુંબઈ પોલીસના જોઇન્ટ કમિશનરના જણાવ્યા મુજબ આ ધમકી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નામથી કરેલા ઇમેઇલમાં આપવામાં આવી છે. હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

 લશ્કરના નામથી કરેલા આ ઇમેઇલમાં, ચાર હોટલોને ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો 24 કલાકની અંદર સવા સાત કરોડ રૂપિયા આપવામાં ન આવ્યા તો મુંબઈની ખ્યાતનામ હોટલો પર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે. લશ્કરએ આ રકમ બિટકોઇનમાં માંગી છે.
  આ મેઈલને ગંભીરતાથી લેતા પોલીસે તમામ હોટલોમાં તપાસ શરુ કરી હતી પરંતુ હાલ કંઈજ મળ્યું નથી. સુરક્ષાના ભાગરુપે હોટેલમાં એટીએસ અને બીડીડીએસ તૈનાત કરવામાં આવી છે. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે ઇમેઇલ કયાંથી આવ્યો છે. આ મેઈલમાં મુંબઇની આ ચાર હોટલ લીલા, રામાડા, પાર્ક અને સી પ્રિન્સના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 ધમકી મળ્યા બાદ તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હોટલ પહોંચ્યા હતા અને કલાકો સુધી તપાસ કરી હતી. હોટલના દરેક ખૂણાની તપાસ કરવામાં આવી હતી અને તમામ હોટલોની સુરક્ષા વધારી દેવામાં આવી છે

(10:41 am IST)