Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ટ્રમ્પનાં વિમાનમાં છે અદ્યતન સુવિધાઓઃ હરતુ ફરતું 'વ્હાઇટ હાઉસ': બેજોડ તાકાત ધરાવે છે

મિસાઇલ એટેકનું પણ સુરસુરીયું થાયઃ આમ જ ઇંધણ ભરી શકેઃ વિમાનમાં ૪૦૦૦ વર્ગ ફુટની જગ્યાઃ અદ્યતન હોસ્પિટલ પણ છે

નવી દિલ્હી, તા.૨૦: બેજોડ તાકત સહિત અન્ય સુરક્ષા ફિચર્સથી સજ્જ એરફોર્સ વન વિમાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલિના ટ્રમ્પને ભારત લાવવા માટે તૈયાર છે. ડોનાલ્ડ ટ્રમ્પને અને તેમના પત્ની સાથે ૨૪ ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. એરફોર્સ વન બોઈંગ ૭૪૭-૨૦૦બી શ્રેણીનું વિમાન છે, જેમાં જરૂરીયાત અનુસાર ફેરફાર કરીને અત્યંત સુરક્ષિત બનાવવામાં આવ્યું છે.

પ્લેન પર યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા લખ્યું છે. અમેરિકન રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રપતિની સીલની તસવીર આ વિમાનની ખાસ ઓળખ છે. એરફોર્સ વનની ખાસિયત એ છે કે તે બોઈંગ યાત્રી વિમાનથી બહાર હવામાં જ ઈંદ્યણ ભરી શકે છે. વિમાનમાં આપવામાં આવેલી ટેકનીક ઈલેકટ્રોમેગ્નેટિક પલ્સથી બચાવવામાં સક્ષમ છે. વિમાનમાં અત્યાધુનિક સુરક્ષિત સંચાર ઉપકરણ આપવામાં આવ્યા છે. જે અમેરિકામાં હુમલો થાય તો વિમાનમાં મોબાઈલ કમાન્ડ સેન્ટરની જેમ કામ કરવાની સુવિધા આપે છે.

વિમાનમાં ૪૦૦૦ વર્ગ ફૂટની જગ્યા છે. રાષ્ટ્રપતિ અને તેમની સાથે પ્રવાસ કરનારા લોકોને ત્રણ લેવલમાં જગ્યા આપવામાં આવી છે. જેમાં રાષ્ટ્રપતિ માટે મોટો સુઈટ (રૂમ) પણ સામેલ છે, જેમાં મોટી ઓફિસ, ટોયલેટ અને કોન્ફરન્સ રૂમ છે. એરફોર્સ વનમાં એક ચિકિત્સા રૂમ પણ છે જે ઓપરેશન થિયેટરની જેમ કામ કરે છે તેમાં ડોકટર હંમેશા હાજર રહે છે. વિમાનમાં બે રસોડા છે જેમાં એક જ સમયે ૧૦૦ વ્યકિતનું ભોજન બનાવી શકાય છે.

એરફોર્સ વનમાં રાષ્ટ્રપતિ સાથે જતા લોકો માટે પણ રૂમ આપવામાં આવ્યા છે જેમાં વરિષ્ઠ સલાહકાર, ગુપ્ત સેવા અધિકારી સહિત અન્ય મહેમાનો સામેલ છે. અરફોર્સ વન એરક્રાફ્ટની મહત્તમ સ્પીડ ૯૬૫ કિમી/કલાક છે. આ એરક્રાફ્ટ હથિયારો કવચથી સજ્જ હોય છે. તેમાં લાગેલા ઇલેકટ્રોનિક જામર દુશ્મનની મિસાઇલથી તેને બચાવે છે.

(10:00 am IST)