Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

મોદી સરકાર 'મંદી' સ્વીકારતી નથીઃમનમોહન સિંહ

જો સમસ્યાઓની ઓળખ નહીં કરવામાં આવે તો સુધારાત્મક કાર્યવાહી માટે વિશ્વાસપાત્ર ઉકેલ શોધાવાની શકયતા નથી

નવી દિલ્હી, તા.૨૦: અર્થવ્યવસ્થાની સ્થિતિને પગલે મોદી સરકારને સવાલોના દ્યેરામાં લેતા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે બુધવારે કહ્યું કે, વર્તમાન સરકાર 'મંદી' શબ્દને સ્વીકારતી નથી અને વાસ્તવિક ખતરો એ છે કે, જો સમસ્યાઓની ઓળખ નહીં કરવામાં આવે તો સુધારાત્મક કાર્યવાહી માટે વિશ્વાસપાત્ર ઉકેલ શોધાવાની શકયતા નથી.

મોન્ટેક સિંહ અહલુવાલિયાના પુસ્તક  'બેકસ્ટેજ' ના વિમોચન પ્રસંગે લોકોને સંબોધિત કરતા સિંહે કહ્યું કે, યોજના પંચના પૂર્વ ઉપાધ્યક્ષે યુપીએ સરકારની સારી બાબતો સાથે જ તેની નબળાઈઓ અંગે પણ લખ્યું છે. પૂર્વ વડાપ્રધાને કહ્યું કે, 'મને લાગે છે કે આ મુદ્દાઓ પર ચર્ચા થશે અને તેના પર ચર્ચા થવી જોઈએ, કેમકે આજે એવી સરકાર છે, જે મંદી જેવા કોઈ શબ્દનો સ્વીકાર કરતી નથી. મને લાગે છે કે તે આપણા દેશ માટે સારું નથી.'

તેમણે કહ્યું કે, 'જો તમે એ સમસ્યાઓની ઓળખ નથી કરતા, જેનો સામનો તમે કરી રહ્યા છો, તે તમને સુધારાત્મક કાર્યવાહી માટે વિશ્વાસપાત્ર ઉકેલ મળવાની શકયતા નથી. આ સાચો ખતરો છે.' સિંહે કહ્યું કે, આ પુસ્તક દેશના વિકાસ માટે ઘણી મદદરૂપ બનશે.

સિંહે ૧૯૯૦ના દાયકામાં અર્થવ્યવસ્થાના ઉદારીકરણમાં તેમને સમર્થન આપવા માટે પૂર્વ વડાપ્રધાન નરસિંહ રાવ, પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ અને અહલુવાલિયા દ્વારા નિભાવાયેલી ભૂમિકાની પ્રશંસા કરી અને તેઓ વિવિધ વર્ગના અવરોધ છતાં સુધારાઓને પૂરો કરવામાં સફળ થઈ શકયા.

(9:59 am IST)