Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

જળસંપત્તિ કલ્પસર માટે કુલ ૧૪૮૯૫ કરોડની જોગવાઇ

સૌની યોજનાના બીજા ચરણ માટે ૧૭૬૫ કરોડ : પાણી પુરવઠા કામગીરી માટે ૩૩૧૧ કરોડની ફાળવણી ગ્રામ્ય પાણી પુરવઠા યોજના માટે ૭૦૩ કરોડની જોગવાઇ

અમદાવાદ,તા. ૨૦ : નાણાંમંત્રીએ રાજયના બજેટમાં જળસંપત્તિ કલ્પસરના કામો માટે રૂ.૧૪,૮૯૫ કરોડની જંગી રકમની જોગવાઇ કરી છે. જેમાં સરકારની મહત્વાકાંક્ષી યોજના એવી સૌની યોજનાના બીજા તબક્કા માટે રૂ.૧૭૬૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તો સાથે સાથે રાજયમાં પાણી પુરવઠાના કામો માટે પણ રૂ.૩૩૧૧ કરોડની અલગથી જોગવાઇ કરવામાં આવી છે, જેમાં ખાસ ગ્રામ્ય વિસ્તાર માટે ગ્રામ્ય પાણી પુરવઠા યોજના માટે રૂ.૭૦૩ કરોડ ફાળવવામાં આવ્યા છે. નાણામંત્રી નીતિન પટેલે આજે રજૂ કરેલા બજેટમાં જળસંપત્તિ કલ્પસરના કામો અને પ્રોજેકટ માટે વિશેષ જોગવાઇ કરી હોવાની જાહેરાત ગૃહમાં કરી હતી. સરકારે આ વિભાગ પાછળ વિશેષ પ્રકારે પ્રાધાન્યતા આપી રૂ.૧૪,૮૯૫ કરોડની જોગવાઇ કરી હોવાનું જણાવતાં નાણાંમંત્રીએ ઉમેર્યું હતું કે, જળસંપત્તિ કલ્પસર કાર્યો અંતર્ગત આદિજાતિ લોકોની સવલતો અને જળ સુવિધા માટે રૂ.૮૫૭ કરોડની ફાળવણી કરાઇ છે. સૌની યોજનાના બીજા તબક્કા માટે રૂ.૧૭૬૫ કરોડ અને સુજલામ સુફલામ યોજના માટે રૂ.૨૨૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જળાશયોની હયાત કેનાલના માળખાના સુદ્રઢીકરણ માટે ૩૮૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તો ટપક સિંચાઇની વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે રૂ.૭૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. કલ્પસર યોજનામાં ખારાશની જે સમસ્યા છે તેના નિવારણના ભાગરૂપે ખારાશ અટકાવવા રૂ.૧૧૦ કરોડની ખાસ જોગવાઇ કરાઇ છે. દરમ્યાન રાજયમાં પાણી પુરવઠાના પ્રોજેકટ અને કામો માટે અલગથી કુલ રૂ.૩૩૧૧ કરોડ ફાળવાયા છે. સૌથી મહત્વનું એ છે કે, આદિજાતિ વિસ્તારમાં પાણી પુરવઠાની સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે વધુ ૧૦ યોજના શરૂ કરવાનું સરકારનું આયોજન છે. જે માટે રૂ.૨૮૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગ્રામ્ય પાણી પુરવઠા જૂથ યોજના માટે રૂ.૭૦૩ કરોડ અલગથી ફાળવાયા છે. જયારે વાસ્મો દ્વારા નળ કનેકશન અને પાણીની સુવિધા પૂરી પાડવાના હેતુથી રૂ.૨૫૮ કરોડની જોગવાઇ કરાઇ છે.

(8:48 pm IST)